Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આર્મી કેમ્પ પાસે ફરી દેખાયું ડ્રોન-સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Social Share

શ્રીનગરઃ છેલ્લા ઘણા સમયછી જમ્મુ કાશ્મીરની સરહદ પાસે ડ્રોન દેખાવાની ખટનામાં વધારો થયો છે, ત્યારે હવે ફરી સોમવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનિયાડી ગામમાં આર્મી કેમ્પ નજીક ડ્રોન જેવી હિલચાલ જણાયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

મળતી માહિતીપ્રમાણે, સેનાના કેટલાક જવાનોએ ડ્રોન જેવી વસ્તુ આકાશમાં ઉડતી જોઈ હતી, જેમાં લાલ લાઈટ થઈ રહી હતી. સેનાએ તેને નિશાન બનાવવા માટે ઘેરાબંધી પણ કરી હતી, પરંતુ ઊંચાઈ અને અંધકારનો લાભ લઈને ડ્રોન જેવી વસ્તુ સરહદ પર પરત ફરી હતી. આ પહેલા રવિવારે, સાંબા જિલ્લાના બારી બ્રાહ્મણમાં રાત્રે 9 થી 10 દરમિયાન ચાર ડ્રોન દેખાયા હતા.

આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગ સિંહે સોમવારે કિશ્તવાડની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પાકિસ્તાન અને તેના આતંકવાદી તરફી સંગઠનો ડ્રોન દ્વારા હુમલો કરી રહ્યા છે અને હથિયારો અને આઈઈડી સહીત માદક દ્રવ્યો પૂરા પાડી રહ્યા છે અને વિનાશ ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તેમણે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દુશ્મન દેશના આ નાપાક ઈરાદાઓ અને ષડયંત્રને ટૂંક સમયમાં નિષ્ફળ બનાવશે. આ અંગે સતત કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી, પોલીસે હથિયારો,આઈઈડી અને માદક દ્રવ્યો ધરાવતા 17 ડ્રોનને શોધી કાઢ્યા છે. આ સાથે જ  કેટલાક ડ્રોનનો તો નાશ  કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો જમ્મુ -કાશ્મીરમાં ડ્રોન દ્વારા નવા કાવતરા ઘડી રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ડ્રોન દ્વારા રાજ્યમાંથી રોકડ, નાર્કોટિક્સ, હથિયારો, આઈઈડી રાજ્યમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ દ્વારા જમ્મુ એરફોર્સ સ્ટેશનને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો