પાલનપુરઃ શહેરની વસતી અને વિસ્તારમાં વધારો થતો જાય છે. છેલ્લા એક દાયકામાં શહેરનો વિસ્તાર વધ્યો છે. પરંતુ શહેરીજનોને પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા મળતી નથી. આથી શહેરમાં સિટીબસ ચાલુ કરવા માટે નગરપાલિકાએ ઠરાવ કર્યો હતો. જોકે, ગાંધીનગરથી હજુ મંજૂરી મળી નથી. હવે નવી સરકાર મંજૂરીની મ્હોર મારે તો શહેરીજનોને આઠ સીટીબસોની ભેટ મળશે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાએ સાધારણ સભામાં ઠરાવ કરી નવી સીટીબસો ચાલુ કરવાનો ઠરાવ કરીને તેની મંજુરી માટે ગાંધીનગર મોકલ્યો હતો. જો કે, તેની હજુ મંજૂરી મળી નથી. નગરપાલિકાના પ્રમુખ કિરણબેન રાવલે જણાવ્યું હતુ કે, 9મી એપ્રિલની સાધારણ સભામાં આઠ સીટી બસો દોડાવવાનો ઠરાવ કરાયો છે. જે સરકારની મંજૂરી હેઠળ છે. મંજુરી મળ્યેથી પ્રોજેકટ અમલમાં મુકાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકાએ બે ટર્મ અગાઉ કોન્ટ્રાકટ બેઝથી બે સીટીબસો ચાલું કરી હતી. જોકે, ખર્ચ વધતાં સિટી બસ બંધ કરવી પડી હતી. બસના કોન્ટ્રાકટર કહેવા મુજબ, બે સીટીબસોમાં સીસીટીવી કેમેરાથી નખાયા હતા. મહિને ડ્રાયવરનો પગાર રૂ. 10,000, કંડકટરનો પગાર રૂપિયા 6000, બે દિવસે રૂપિયા 3500નું ડીઝલ સહિત એક સીટ દીઠ 18 ટકા ટેક્ષ સહિતનો ખર્ચ ન પોષાતા તેમજ રિક્ષા ચાલકોની રંઝાડને કારણે સીટીબસ બંધ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહેસાણા નગરપાલિકા સંચાલિત સીટીબસોમાં મહિલા અને વડિલોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે પાલનપુરમાં પણ બસોને મંજૂરી મળ્યા પછી મહિલા- વડિલોને આવી સુવિધા આપવી કે નહી તેનો કારોબારી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે.