Site icon Revoi.in

પાલનપુરમાં 25 કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ લાઈન નાંખીને શહેરને વીજ થાંભલાના દોરડાથી મુક્ત કરાશે

Social Share

પાલનપુરઃ શહેરમાં રૂપિયા 25 કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ લાઈન બિછાવવામાં આવશે, એટલે વીજળીના થાંભલાઓને દુર કરવામાં આવશે, માત્ર સ્ટ્રીટલાઈટના પોલ જરૂર પ્રમાણે ઊભા કરાશે. રાજ્યના ઊર્જારાજ્ય મંત્રી મુકેશ પટેલે જાહેરાત કરી હતી.

પાલનપુરમાં  કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્ય પરબત પટેલ અને દિનેશ અનવાડીયા તથા ધારાસભ્યઓ અને પદાધિકારીઓ દ્વારા પુછવામાં આવેલા UGVCL ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

આ અંગે મંત્રી મુકેશ પટેલે પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 9 ઓક્ટોબર-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલનપુર શહેરને નવી ભેટ આપવાના છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. દ્વારા રૂ. 25 કરોડના ખર્ચે પાલનપુર શહેરમાં નવી અંડરલાઇન વીજ લાઇન નાખી શહેરને વીજળીના થાંભલાઓથી મુક્ત કરાશે, ભારે વરસાદ કે પૂરની સીઝનમાં UGVCL ના કર્મચારીઓ પોતાની જાનની પરવા કર્યા વિના જીવના જોખમે પાણીમાં ઉતરી થાંભલા પર ચડી કામ કરતા હોય છે. ગુજરાતનું વીજ મોડેલ સમગ્ર દેશમાં વખણાય છે. ડિસેમ્બર-2022ના અંત સુધીમાં તમામ ખેડુતોને ખેતી વિષયક વીજ કનેક્શન આપી દેવાશે. જેટકો દ્વારા 38 જેટલાં નવા સબ સ્ટેશનો પ્રાયોરીટીના આધારે બનાવવાનું આયોજન છે.

આ બેઠકમાં થરાદ ખાતે નવીન ડિવિઝન ઓફિસ શરૂ કરવા, થરાદ તાલુકાના મલુપુર અને મોરથલ ગામે મંજુર થયેલા 66 કે.વી. સબ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવી, ખેતીવાડી વીજ કનેક્શનમાં લોડ વધારો કરી ડ્રીપ ઇરીગેશન માટે મોટર મુકી પાણી ખેંચવા, બીજી મોટર ચલાવવાની મંજુરી આપવા, મલાણા ગામે 66 કે.વી. સબ સ્ટેશન તાત્કાલિક ધોરણે ચાલુ કરવા, તેમજ  ખેતરમાં સિંગલ ફેજ લાઇટ રેગ્યુલર આપવી, નવી વીજ લાઇન નાખતી વખતે ખેતરોમાં ઓછું નુકશાન થાય તેનું ધ્યાન રાખવું,  લોડ વધારો અને વીજ ટ્રાન્સ્ફોર્મર નાખવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.