Site icon Revoi.in

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિઃ વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Social Share

અમદાવાદઃ વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 165મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી હીરજીભાઈ કારણીયા તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીને શ્રદ્ધાસુમન પાઠવ્યાં હતા.

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. તેમનું સ્વપ્ન હતું કે, તેમના અસ્થીઓને ભારતમાં લઈ જવામાં આવે. તેમના મૃત્યુ બાદ તેમના અસ્થિઓને જિનીવા ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું. આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબહેન મહેતા તથા વિધાનસભાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાસુમન પાઠવતા કહ્યું હતું કે, શ્યામજી કૃષ્ણ વર્માજીએ લંડનમાં ‘ઈન્ડિયા હાઉસ’ની સ્થાપના કરીને વિદેશી શાસનને તેમની ધરતી પરથી કમજોર કરવાનો પાયો નાખ્યો હતો. દેશ હોય કે વિદેશ, એમણે પોતાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા સ્વતંત્રતાનો સંકલ્પ સતત પ્રજ્વલિત રાખ્યો હતો. આ રાષ્ટ્ર તેમના સંઘર્ષ અને બલિદાન માટે હંમેશા ઋણી રહેશે. દેશના આવા મહાન સપૂતને તેમની જન્મજયંતિ પર વંદન કરું છું.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ભારતમાતાના વીર સપૂત, વિદેશી ભૂમિ પરથી અંગ્રેજ સામ્રાજ્ય સામે વિરોધની ક્રાંતિ કરનાર, ભારતીયોમાં સ્વતંત્રતાની અલખ જગાવનાર, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માજીને તેમની જન્મજયંતીએ ભાવસભર વંદન.