Site icon Revoi.in

લીંબડીના પાણશીણા ગામે તંત્રના વાંકે પાણીની સમસ્યા, પાઈપલાઈન લિકેજનું સમારકામ કરાતું નથી

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં  છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 15 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. 15 દિવસે વિતરણ થતાં ગ્રામજનોને પાણી માટે રીતસરના વલખાં મારવાનો વારો આવ્યો છે. સાત હજારથી વધુ વસ્તીના ગામમાં લોકો નાછૂટકે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે.  ટોકરાળા ગામ પાસે પાણીની લાઈન લીકેજ થઈ જતા  રોજ હજારો લીટર પાણીનો વ્યય થાય છે. જ્યારે પાણશીણા ગામના લોકોને પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે. તંત્રને પાણીની લિકેજ લાઈનને રિપેર કરવાની ફુરસદ મળતી નથી.

પાણશીણા ગામના સરપંચે હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં ભંગાણ થયું છે. જેના કારણે ગામના સમ્પમાં ફોર્સથી પાણી આવતું નથી. લાઈનમાં લીકેજ થયું તે બાબતે પાણી પુરવઠાના અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ કોઈ ડોકાયું નહોતું. ત્યારબાદ પંદરેક દિવસ પહેલાં અમુક લિકેજ દૂર કર્યા હતા. પરંતુ ટોકરાળા ગામ પાસે પડેલું મોટું લિકેજનું સમારકામ કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી તે લિકેજનું રિપેર નહીં થાય ત્યાં સુધી ગામમાં પાણીની સમસ્યા હલ થાય તેમ નથી.

લીંબડી તાલુકાના પાણી પુરવઠાના ડેપ્યુટી ઈજનેર મનિષ પંડયાએ જણાવ્યું હતું કે, જે જગ્યાઓમાં લિકેજ દેખાયું હતું, ત્યાં થોડા દિવસ પહેલાં સમારકામ કર્યું હતું. ટોકરાળા પાસે લાઈનમાં ભંગાણ પડયું છે, તે જગ્યાએ પાણી સુકાઈ નહીં ત્યાં સુધી રિપેર કરવું શક્ય નથી. ટોકરાળા નજીક પડેલું લીકેજ રિપેર કરી દેવા એજન્સીને સૂચના આપી દીધી છે. એક-બે દિવસમાં સમારકામ થઈ જશે ત્યારબાદ પાણશીણા ગામનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકશે.