Site icon Revoi.in

પેપર લીક પ્રકરણઃ સાણંદના પ્રેસના માલિકની પોલીસે કરી અટકાયત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસ દ્વારા મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં પેપર છવાયું હતું ત્યાંથી જ પેપર લીક થયાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે સાણંદની આ પ્રેસના માલિકની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રેસ માલિકની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના મામલે પોલીસ એક બાદ એક ધરપકડ અને અટકાયત કરી રહી છે. સાણંદની જે પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું તેના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે મુદ્રેશ પુરોહિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. બીજી વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પેપર લીક કાંડમાં પ્રિન્ટિંગ પ્રેસની ભૂમિકા સામે આક્ષેપો કર્યા છે. આ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયાની શંકાને ધ્યાને રાખી પોલીસે માલિક મુદ્રેશ પુરોહિતની તપાસ હાથ ધરી છે.

પેપર લીક પ્રકરણની તપાસ કરતી પોલીસે ગઈકાલે મુખ્ય સુત્રધાર જયેશ પટેલ અને પેપર મેળવનાર બે પરીક્ષાર્થીઓની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. પેપર લીક થયા બાદ રૂ. 10થી 15 લાખ સુધીમાં આરોપીઓએ પેપરનું વેચાણ કર્યું હતું.

(Photo-File)