Site icon Revoi.in

પેરિસઃ તીરંદાજીના વર્લ્ડકપમાં ભારતીય અભિષેક વર્માએ રચ્યો ઈતિહાસ

Social Share

દિલ્હીઃ પેરીસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં સ્ટેજ થ્રીમાં પુરુષોની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ભારતીય તીરંદાજ અભિષેક વર્માએ ઈતિહાસ રચ્યો છે. તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં અભિષેકે અમેરિકાના ક્રિસ સ્ચેર્ફને શૂટ-ઓફમાં 10-9થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ બે અલગ-અલગ વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય તીરંદાજ બની ગયો છે.

પુરુષોની કમ્પાઉન્ડ ગોલ્ડ મેડલની મેચમાં ભારતના અભિષેક વર્મા અને અમેરિકાના ક્રિસ સ્ચેર્ફનો સ્કોર 148-148થી બરોબરી પર રહેતા ટાઈ પડી હતી. જે પછી ગોલ્ડ મેડલ વિજેતાનો નિર્ણય શૂટ-ઓફથી લેવામાં આવ્યો હતો. જેમાં અભિષેક વર્માએ 10નો સ્કોર કર્યો હતો. જ્યારે તેનો અમેરિકન હરિફ માત્ર 9 સ્કોર મેળવી શક્યો હતો. અભિષેકે સેમિ ફાઈનલમાં શાનદાર દેખાવ કરતાં રશિયાના એન્ટોન બુલાઈવને 146-138થી હરાવ્યો હતો. અભિષેકે આ અગાઉ વર્ષ 2015માં પોલેન્ડમાં યોજાયેલા તીરંદાજીના વર્લ્ડ કપમાં આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ક્રોએશિયામાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ મિક્સ પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે ક્રોએશિયામાં ચાલી રહેલા આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતના મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. અગાઉ સૌરભે ચૌધરી અને ભારતની મહિલા ટીમે બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.