અમદાવાદઃ કોરોનાના સંક્રમણને કારણે અનેક લગ્ન સમારોહ પણ રદ કરવાની લોકોને ફરજ પડી રહી છે. અમદાવાદ, સુરત, વડોગરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં લગ્નો માટે પાર્ટીપ્લોટસ,
મેરોજ હોલ, રસોઈયા-કેટરિંગ, ગોરમહારાજો, ફોટોગ્રાફરો, વગેરે બુક કરી દેવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા પખવાડિયાથી કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધતા હોવાથી તેમજ રાત્રી કરફ્યુ અને જાહેર સમારોહ, મેળાવડા પર સરકારે પણ રોક લગાવી હોવાથી લોકો હવે પાર્ટીપ્લોટ્સ, મેરેજ હોલ વગેરેના બુકિંગ રદ કરાવી રહ્યા છે. કોરોનાને કારણે ઘણા લોકોને ધામધૂમથી લગ્ન કરવાના ઓરતા પણ અધૂરો રહી જશે.
અમદાવાદ શહેરમાં ઘણા પાર્ટીપ્લાટ્સ અને મેરેજ હોલના બુકિંગ રદ થઈ રહ્યા છે. પાર્ટીપ્લોટ્સના સંચાલકોના કહેવા મુજબ ગત વર્ષે પણ લગ્નગાળાની સીઝનમાં આવી જ સ્થિતિ હતી, અને આ વખતે પણ કોરોનાને કારણે લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટીપ્લોટ્સ અને મેરેજ હોલના મેન્ટેનન્સનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે.
રાજકોટમાં યુનિ. રોડના અમૃત ઘાયલ હોલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા નિર્ણય કરાતા આ હોલ માટે બુકીંગ કરાવનારા પરિવારજનોને બુકીંગ રદ થયાની જાણ કરવાનું શરૂ કરી દેવાયું છે. એપ્રિલથી જુન મહિના સુધીમાં આ હોલમાં લગભગ ર4 જેટલા બુકીંગ થયા હતા. શહેરનો આ સૌથી સુવિધાવાળો એસી હોલ છે અને લોકોને પ્રસંગે ખુબ કામ આવે છે.પરંતુ ઇમરજન્સી જેવા સંજોગોમાં અહીં હોસ્પિટલ શરૂ થવા જઇ રહી છે. બુકીંગ કરાવનાર પાર્ટીઓને ફોનથી મેસેજ આપવાનું શરૂ કરાયું છે. આ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ લગ્નો માટેના અનેક બુકિંગ રદ કરવામાં આવી રહ્યા છે.