Site icon Revoi.in

સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ-તર્પણ વિધી માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે, સરકારે તૈયાર કર્યું પોર્ટલ

Social Share

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કાંઠે આવેલું સિદ્ધપુર માતૃ શ્રાદ્ધ માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવે છે. બિન્દુ સરોવરમાં સ્નાન કરીને દાન-પિંડ કરીને શ્રાદ્ધ વિધી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર કરાયુ છે. અને શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે 1 ફેબ્રુઆરીથી ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે.

દેશના એકમાત્ર માતૃ ગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે. શ્રદ્ધાળુઓ માટે ઑનલાઇન બુકિંગની આ સુવિધા આગામી 1 ફેબ્રુઆરી, 2024થી પ્રારંભ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃ ગયા તીર્થ અતિ પ્રાચીન, ઐતિહાસિક  છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતા શ્રદ્ધાળુઓ માતૃગયા શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવતા હોય છે ખાસ કરીને કારતક સુદ અગિયારસથી પુનમ સુધીના વિશ્વપંચક પર્વ સમયે લાખો શ્રદ્ધાળુઓ સિદ્ધપુર ખાતે સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી માતૃ-પિતૃઓને સંતોષવાનો આનંદ અનુભવે છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું કે સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનારા દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે  તે માટે બોર્ડ દ્વારા “ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ” પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પોર્ટલ 1 ફેબ્રુઆરી, 2024થી કાર્યરત બનશે. સિદ્ધપુરમાં બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઇચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ વેબસાઈટ :https://yatradham.gujarat.gov.in અથવા એન્ડ્રૉઇડ એપ્લિકેશન: Yatradham Of Gujarat (YOG) મારફતે અથવા સ્થળ પર જ રજિસ્ટ્રેશન ઓફિસ ખાતે Offline રજિસ્ટ્રેશન કરાવી “ટોકન ફી” POS Machine મારફતે 100 ટકા ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ પૂજા વિધિનો લાભ સરળતાથી મળી શકશે. આ પોર્ટલ પર સ્પેશિયલ હૉલ રજીસ્ટ્રેશન, એક પરિવાર દીઠ રજિસ્ટ્રેશન, સ્થાનિક નાગરિકો માટે દર્શન સુવિધા, સ્થાનિક નાગરિકોને શ્રાદ્ધ વિધિ કરવા જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. દેશભરમાંથી શ્રાદ્ધ વિધિ કરવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિ આ પોર્ટલ ઉપર પોતાના સ્વજનની શ્રાદ્ધ વિધિની અરજી ઑનલાઇન રજિસ્ટર કરાવી શકશે તથા રજિસ્ટ્રેશન નંબર પણ મેળવી શકશે. બિંદુ સરોવર ખાતે કઈ તારીખે, કેટલા સમયે અને કયા સ્પૉટ ઉપર તેની વિધિ કરવામાં આવશે, તે પણ પોર્ટલ પર નિયત થઇ શકશે. રજિસ્ટ્રેશન ફી પણ ઑનલાઈન POS મશીન મારફતે 100 ટકા ડિજિટલ ચૂકતે કરી શકાશે. સિદ્ધપુર માતૃગયા તીર્થ ક્ષેત્રનો રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે વિકાસ કરી રહી છે જેથી સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી જન્મી છે. (File photo)