Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.ની નવી ટીપી સ્કીમનો 20 સોસાયટીઓના લોકોએ કર્યો વિરોધ,

Social Share

રાજકોટઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી નવી TP સ્કીમને લીધે કોઠારીયા વિસ્તારની 20 જેટલી અલગ અલગ સોસાયટીનાં લોકોએ ભારે વિરોધ કર્યો છે. અને 20 સોસાયટીઓના લોકોએ એકઠા થઈને મ્યુનિ. કચેરી સામે મોરચો માંડ્યો હતો. અને  નવી TP સ્કીમ અંગે વાંધા અરજી પણ રજૂ કરી હતી. જેમાં  TPમાં લાઇબ્રેરી તેમજ ગાર્ડન અને હોસ્પિટલ સહિતની કોઈપણ સુવિધા નહીં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ આ TP સ્કીમ રદ કરવાની અથવા તો નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી હતી.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે કોઠારિયા વિસ્તારની કુલ 20 જેટલી સોસાયટીના લોકો એકઠા થયા હતા અને મ્યુનિ. દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ TP સ્કીમને લઈ વિરોધ દર્શાવ્યો હતો. નવી TP સ્કીમમાં જુદા-જુદા 27 જેટલા કોમન પ્લોટમાં માત્ર આવાસ યોજનાઓ ફાળવવામાં આવી હોવાનું જણાવાયું હતું. તેમજ ગાર્ડન, લાયબ્રેરી, પાર્કિંગ અને હોસ્પિટલ સહિતની સુવિધાનો આ TP સ્કીમમાં અભાવ હોવાનું જણાવી TP રદ્દ કરવાની માગ કરી હતી. તેમજ નિયમ મુજબ વાંધા અરજી પણ રજૂ કરાઈ હતી. સ્થાનિક લોકોએ  જણાવ્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ TP સ્કીમનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વાંધા સૂચનો રજૂ કરવા માટે આજે 20 જેટલી સોસાયટીનાં લોકો એકઠા થયા છીએ. આ TP સ્કીમમાં આંગણવાડી, રમતગમતનાં મેદાનો અને પાર્કિંગ સહિતની કોઈ પૂરતી સુવિધા આપવામાં આવી નથી અને જુદા-જુદા કોમન પ્લોટમાં આવી સુવિધાઓ આપવાને બદલે માત્ર 27 આવાસ યોજનાઓ ફાળવી દેવામાં આવી છે.

સ્થાનિક લોકોએ એવી રજુઆતો કરી હતી કે, શહેરના કોઠારિયા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પાર્કિંગ સહિતની કોઈ સુવિધા મળતી નથી. તેમાં હવે વધુ 27 આવાસ યોજના ફાળવવામાં આવતા અહીં ગીચતા અને પાર્કિંગ સમસ્યા વધુ વિકટ બને તેવી પૂરતી શક્યતા છે. હાલ સોસાયટીમાં 7 મીટર અને 9 મીટરનાં રસ્તા છે. આમ છતાં 7.5 મીટરનાં રસ્તાને 9 મીટર કરવા દરખાસ્ત પણ આ TP સ્કીમમાં મુકવામાં આવી છે. જે જરાપણ યોગ્ય નથી. હાલ આવી કોઈ જરૂરિયાત નહીં હોવા છતાં અચાનક 7.5 મીટરનાં રસ્તાને 9 મીટરનો શા માટે કરવામાં આવ્યો? તે સહિતના સવાલો અને સૂચનો સાથે આજે રજૂઆત કરવામાં આવી છે.

Exit mobile version