Site icon Revoi.in

અહંકારી ભાજપના શાસનમાં તમામ વર્ગના લોકો અનેક હાડમારી વેઠી રહ્યા છેઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં હાથથી હાથ જોડો’ અભિયાન માટેના નવનિયુક્ત હોદેદારોની નિમણુંક કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી કન્યા કુમારીથી કાશ્મિર સુધી 4000 કિ.મી. થી વધુની ભારત જોડો પદયાત્રા કરી હતી. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં હાથ સે હાથ જોડો થકી છેવાડાના લોકો સુધી પહોંચવાનું અભિયાન હાથ ધર્યું હતું.

તેમણે ભાજપ સામે પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અહંકારી ભાજપ સરકારના કારણે જનતા તમામ ક્ષેત્રે પીસાઇ રહી છે. અસહ્ય મોંઘવારી, ભયમુક્ત ભ્રષ્ટાચાર, ભયંકર બેકારી, ગુનાખોરી, કાળાબજારી, કાયદાનો બેફામ રીતે દુરુપયોગ, શિક્ષણમાં મનફાવે તેવા પ્રયોગો કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં લઇ જવું, મહિલાઓની અસલામતી, નોકરીયાત અને ધંધાદારીઓ પર કમરતોડ ટેક્સ, પ્રેસ અને પત્રકારોને ડરાવી ધમકાવીને દમન કરવું, ખેડૂતોની આત્મહત્યાઓ, ગરીબીમાં વધારો સહિતની મુશ્કેલીઓમાં દેશનો સામાન્ય-મધ્યમ વર્ગનાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, “હાથ સે હાથ જોડો” અભિયાનનો અર્થ છે કે આપણે કોંગ્રેસના તમામ કાર્યકરોએ હાથમાં હાથ મીલાવી તાલમેળથી ભાજપની અણઘડ નીતિઓ અને ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે. ‘હાથ સે હાથ જોડો’ના પ્રદેશ કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાને ઢાંકવા નકલી જુઠ્ઠા વિકાસનો ઢોલ વગાડ્યા કરે છે. વિદેશોમાં જુઠ્ઠો પ્રચાર કરે છે અને દેશ વિકાસ કરી રહ્યો છે તેવા ખોટા બણગા ફૂંકે છે. નિર્દોષ પ્રજાને સામ, દામ, દંડ અને ભેદની નિતીથી દબાવી રાખી છે. લોકોને મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર નિતનવા હથકંડા અપનાવે છે,ત્યારે લોકોને સાચો સત્યનો રસ્તો બતાવવાનો છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ‘હાથ થી હાથ જોડો’   અભિયાનમાં આપણે સૌએ તન-મનથી જોડાઇને બને તેટલા વધુ કાર્યકર્તા-લોકોને જોડવાના છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ‘હાથથી હાથ જોડો’ અભિયાન ખૂબ મહત્વની સાબિત થશે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત હાથથી હાથ જોડો અભિયાન માટે હોદ્દેદારોની નિમણુંક-સંવાદ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં હાથ થી હાથ જોડો અભિયાનના નવનિયુક્ત અધિકારીઓ, કાર્યકરો કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.