Site icon Revoi.in

તલાલા તાલુકાના ચાર ગામના લોકો પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે

Social Share

તાલાલાઃ  તાલુકાના ગીર જંગલની બોર્ડરનાં છેવાડાનાં ચાર ગામો વાડલા, જાવંત્રી, પાણીકોઠા અને લીમધ્રાના ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનો નિર્ણય લીધો છે. ચાર ગામના લોકોએ પ્રાથમિક સુવિધાઓથી પડતી હાલાકી અંગે તાલાલા મામલતદારને આવેદન આપતા વહિવટીતંત્ર અને ચૂંટણી પંચ દોડતું થઈ ગયું હતું. તાલાલાનાં વાડલા ગામનું મુખ્ય મથક આંકોલવાડી હોય વાડલાના ગ્રામલોકો રોજ-બરોજની જરૂરીયાતનો સામાન ખરીદવા આંકોલવાડી આવતા હોય છે. બે કી.મી.નાં અંતરમાં વચ્ચે નદી ઉપર આવતું બેઠું પુલીયું કાઢી પુલ બનાવવા વર્ષોથી માંગણી કરી રહ્યા છે.

વાડલા ગામના ગ્રામજનોના કહેવા મુજબ ચોમાસામાં ચાર માસમાં વાડલા ગામ છાશવારે વિખુટૂ પડી જાય છે. ઉપરાંત ગામમાં મોબાઈલ નેટવર્કના પણ ધાંધીયા છે. અવાર નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. જ્યારે જાવંત્રી, પાણીકોઠા, લીમધ્રાના લોકો બિસ્માર રસ્તાના મુદ્દે ભારે પરેશાન છે. 2 વર્ષ પહેલા બનેલો રોડ કોન્ટ્રાક્ટરે નબળા માલથી બનાવતા સંપૂર્ણ બિસ્માર છે. અને છાશવારે ખરાબ રોડથી અકસ્માતો સજાર્ય રહ્યા છે. બામણાસા- જાવંત્રી રોડ અને પાણીકોઠા- લીમધ્રા રોડ તાલાલા ઉપરાંત આસપાસનાં સુત્રાપાડા અને કોડીનાર તાલુકાને જોડે છે. લોકોને પડતી હાલાકી અંગે તંત્ર ધ્યાન આપતુ નથી. અને ચૂંટણી ટાણે નેતાઓ ઠાલા વચનો આપી જતા હોય તાલાલા પંથકના ચાર ગામના ગ્રામલોકોએ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનનો બહિષ્કાર કરતા સ્થાનિક વહિવટી તંત્ર સાથે ચૂંટણીપંચ પણ દોડતું થયું છે. ગ્રામજનોએ ગામમાં કોઈપણ રાજકીય પક્ષોને પ્રચારમાં આવવા ઉપર મનાઈ ફરમાવી છે. રાજકીય પક્ષોના ઉમેદવારોએ પણ ચૂંટાઈને આવીશું તો ચારેય ગામોના પાર્થમિક પ્રશ્નો હલ કરીશું એવા આશ્વાસનો આપવા લાગ્યા છે.