Site icon Revoi.in

દિલ્હી-કંડલા નેશનલ હાઈવે પર ભીલડી ટોલ બુથ નાબુદ કરવા લોકોએ ધરણા યોજી વિરોધ કર્યો

Social Share

પાલનપુરઃ દિલ્હી કંડલા નેશનલ હાઇવે 27 પર ડીસાના ભીલડી પાસે આવેલા ટોલબુથ પર આજુબાજુના ગ્રામવાસીઓને ટોલ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. જેથી સ્થાનિક લોકોએ ટોલ નાબૂદ કરવા ટોલ બુથ પર ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો. જોકે રાજ્ય મંત્રીની ખાતરી બાદ ધરણા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી-કંડલા નેશનલ હાઇવે નંબર 27 પર બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ટોલનાકા નજીક-નજીકના અંતરે આવેલા છે. જેથી વર્ષોથી જિલ્લાના વાહનોને ટોલ-ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી રહી છે. જેમાં પાલનપુર તાલુકાના ખીમાણા,ડીસા તાલુકાના મુડેઠા અને કાંકરેજ તાલુકાના ભલગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ બુથ ઉભા કરી એક જ જિલ્લામાં ત્રણ જગ્યાએ ટોલ ઉઘરાવતા સ્થાનિક લોકોને પણ જિલ્લામાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મસ મોટી ટોલની રકમ ચૂકવવી પડી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠામાં ઘણા સમયથી જિલ્લાના વાહનોને ટોલ બુથમાંથી મુક્તિ આપવાની માંગણી ચાલી રહી હતી, પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પ્રત્યુતર ન અપાતા ડીસાના મુડેઠા ખાતે ટોલ બુથ પર ધરણા ચક્કાજામનો કાર્યક્રમ ગ્રામજનો દ્વારા યોજાયો હતો અને જિલ્લાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવા અભિયાન શરૂ કરાયું હતું. જેમાં રાજ્યમંત્રી અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ ટોલ બૂથ પર આંદોલન કરી રહેલા સ્થાનિક લોકો સમક્ષ જઈ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ મળે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને સરકાર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી ટોલ નાબૂદ કરાવવાની ખાતરી આપી હતી. અને આંદોલન કારીઓને સમજાવતા ધરણાનો કાર્યક્રમ સમેટી લવાયો હતો.