જયપુર: રાજસ્થાનમાં ઈંધણ પરના ઊંચા વેટના વિરોધમાં રાજ્યભરના પેટ્રોલ પંપ સંચાલકો બુધવાર અને ગુરુવારે બે દિવસ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રાખશે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના રાજ્ય પ્રમુખ રાજેન્દ્ર સિંહ ભાટીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઈંધણ પરના ઊંચા મૂલ્યવર્ધિત કર (વેટ)ના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યભરના પેટ્રોલ પંપ બુધવાર અને ગુરુવારે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
ભાટીએ 15 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી આપી છે જો રાજ્ય સરકાર આ મુદ્દે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે. તેમણે કહ્યું કે, “ઉંચા વેટની અસર માત્ર પંપ ઓપરેટરોને જ નહીં પરંતુ જનતાને પણ પડી છે. અમે વારંવાર રાજ્ય સરકાર પાસે વેટ ઘટાડવાની માંગ કરી રહ્યા છીએ પરંતુ આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યું નથી.
જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા સમયથી આસમાને છે, પરંતુ રાજસ્થાનમાં સૌથી વધુ સમસ્યા છે. રાજ્યના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલના ભાવ દેશમાં સૌથી વધુ છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 112.74 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 97.57 રૂપિયા પ્રતિ લિટર છે.