Site icon Revoi.in

પોરંબંદરમાં PGVCLનું નવું બિલ્ડિંગ એક વર્ષથી તૈયાર છે, પણ કચેરી શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

Social Share

પોરબંદર : રાજ્યમાં ગતિશીલ ગણાતી સરકારમાં ઘણી વખત તંત્રની લાપરવાહી કે અધિકારીઓની આળસને લીધે લાખો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગો પણ શોભાના ગાંઠિયા બની જતા હોય છે. મહદઅંશે એવું જોવા મળતું હોય છે કે જ્યારે પણ કોઈ સરકારી બિલ્ડીંગ જર્જરિત હોય ત્યારે તેનું રિનોવેશન અથવા તેને જમીન દોસ્ત કરી ત્યાં ફરીથી કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ પોરબંદરમાં તો પીજીવીસીએલની એક કચેરી જર્જરિત હતી ત્યારે કામગીરી થઈ રહી હતી પરંતુ હવે આ જગ્યા પર એક વર્ષ જેટલા સમયથી નવુ બિલ્ડિંગ બની ગયું હોવા છતાં અહીં ઓફિસ કાર્યરત કરવામાં આવી નથી. લોકો કહી રહ્યા છે કે, પીજીવીસીએસના ઉચ્ચ અધિકારીઓને સારૂ મૂહુર્ત મળતું નથી. તેથી કચેરી નવા બિલ્ડિંગમાં ખસેડવામાં આવતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરના શીતલાચોક વિસ્તારમાં આવેલી પીજીવીસીએલ કચેરી પર વીજબીલ કલેકશન તેમજ ફોલ્ટ રીપેર માટેની ફરિયાદ સહિતની કામગીરી કરવામાં આવતી હતી. આ કચેરી જર્જરિત બનતા કચેરીનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. રૂપિયા 11 લાખના ખર્ચે અહી નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યુ છે. આ નવી કચેરી 1 વર્ષથી બનીને કાર્યરત થવાની રાહ જોઈ રહી છે આમ છતાં હજુ સુધી ફરીથી અહીં કામગીરી શરુ નહીં થતાં સ્થાનિકો દ્વારા પીજીવીસીએલની આ કચેરી ફરીથી કાર્યરત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતુ કે,ખારવાવાડ,મેમણવાડ,વોરાવાડ,સોની બજાર,સલાટવાડ સહિતના લોકો આ કચેરીમા વિજબીલ ભરતા હતા પરંતુ હાલ આ કચેરી બંધ હોવાથી તેઓએ વિજબીલ ભરવા મુખ્ય કચેરીએ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.

શહેરના મધ્યમાં આવેલી પીજીવીસીએલની આ કચેરી છેલ્લા એક વર્ષથી બનીને તૈયાર છે અને ફરીથી અહીં વીજબીલ કલેકશન સહિતની કામગીરી શરું થાય તેવી માગ અહીના સ્થાનિકો દ્વારા કરાઇ રહી છે ત્યારે આ અંગે પોરબંદર પીજીવીસીએલ સર્કલના ઇન્ચાર્જ અધિક્ષક ઈજનેરને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ અમારું ફોલ્ટ સેન્ટર માણેક ચોક ખાતે કાર્યરત છે જે બિલ્ડિંગ જર્જરીત બનતા તે બિલ્ડિંગને શીતલાચોક ખાતે બનેલા નવા બિલ્ડિંગમાં શીફ્ટ કરવામાં આવશે જે પ્રોસેસમાં છે અને અહીં અમો કનેક્ટિવિટી સાથે વીજ બિલ કનેક્શન સેન્ટર પણ ચાલુ કરવા જઇ રહ્યા છે જેની મંજૂરી  કોર્પોરેટ કચેરી પાસે માગી છે જેથી અહીં કચેરી કાર્યરત શરુ થાય તેવો પ્રયાસ કરાશે.

તંત્ર દ્વારા સુવિધા વધે તે માટેના પ્રયાસો થાય તે આવકાર્ય બાબત છે પરંતુ સુવિધા વધવાને બદલે મળતી સુવિધા પણ બંધ ન થાય તે પણ જરુરી છે ત્યારે એક વર્ષથી બનીને તૈયાર થયેલ આ કચેરી ફરીથી જર્જરીત બને તે પૂર્વે શરુ થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે હાલ તો પીજીવીસીએલના દ્વારા આ કચેરી વહેલીતકે શરુ થશે તેવુ જણાવવામાં આવી રહ્યુ છે ત્યારે જોવુ રહ્યુ આ કચેરી ફરી ક્યારે શરુ થાય છે.

Exit mobile version