દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી G-20 સમિટ પહેલા X પર પોતાનો કવર ફોટો બદલ્યો છે. X પર વડાપ્રધાને કવર ફોટોમાં ભારત મંડપમની તસવીર મૂકી છે. આ તસવીરમાં ભારત મંડપ ગુલાબી રોશનીથી ભીંજાયેલો જોવા મળે છે. આ સાથે કવર ફોટોમાં ભારત મંડપની સામે નટરાજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
G20 સમિટ 8-10 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વના ઘણા દેશોના નેતાઓ આવી રહ્યા છે. G20 સમિટ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર સંકુલમાં યોજાશે, જેને ભારત મંડપમ નામ આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 26 જુલાઈના રોજ આ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં કન્વેન્શન સેન્ટર, એક્ઝિબિશન હોલ અને એમ્ફીથિયેટર સહિતની અત્યાધુનિક સુવિધાઓ છે.
મોદીએ પણ પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું છે અને ત્રિરંગાની જગ્યાએ નમસ્તે કહીને પોતાની તસવીર લગાવી છે. જી-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. તેમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સહિત વિકાસશીલ અને વિકસિત દેશોના અન્ય નેતાઓ હાજરી આપવા પહોંચી રહ્યા છે.