અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આગામી 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન અલ નાહયાન સાથે અમદાવાદમાં મેગા રોડ શો કરશે. આગામી તા. 9મી જાન્યુઆરીને મંગળવારે યોજાનારા આ રોડ શો માટે શહેરના સરદાર પટેલ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રૂટ્સ નક્કી કરાયો છે. રોડની બન્ને બાજુ નાગરિકો દ્વારા વડાપ્રધાન સહિત બન્ને મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો વિદેશના મહેમાન સાથે રોડ શો યોજાશે. મહાનુભાવોના રોડ શોને લીધે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાયબ્રન્ટ સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદેશી મહેમાન સાથે લાંબો રોડ શો યોજશે. આગામી તા, 9મી જાન્યુઆરીએ UAEના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી સાત કિલોમીટર લાંબો રોડ શો યોજાશે.
સૂત્રોના કહેવા મુજબ UAEના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રિન્સ 9 જાન્યુઆરીએ ગુજરાતના અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન મોદીના UAEના રાષ્ટ્રપતિ સાથે ઘણા સારા સંબંધો છે. UAEના રાષ્ટ્રપતિ MBZ તરીકે ઓળખાય છે. ત્યારે વડાપ્રધાનના રોડ શોમાં પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ જોડાશે.
વડાપ્રધાન મોદી આ પહેલા પણ વિશ્વના ઘણા દેશના રાષ્ટ્રધ્યક્ષો સાથે અમદાવાદમાં રોડ કરી ચુક્યા છે. જેમાં ડૉનાલ્ડ ટ્રમ્પ, જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિન્જો આંબે, ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂનો સમાવેશ થાય છે. હવે ફરી એકવાર અમદાવાદની ધરતી પર UAE જેવા મોટા દેશના પ્રમુખ સાથે મોદી અમદાવાદની સેર કરશે. (File photo)