દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીના 18 માર્ચે બંને દેશો વચ્ચે પ્રથમ ક્રોસ બોર્ડર ઓઇલ પાઇપલાઇનનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. બંને નેતાઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને જણાવ્યું કે આ પાઈપલાઈન દ્વારા અહીં ડીઝલ લાવવામાં આવશે. બાંગ્લાદેશની સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર, મોમેને ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “બંને નેતાઓ 18 માર્ચે પાઇપલાઇન (વિડિયો કોન્ફરન્સ દ્વારા)નું ઉદ્ઘાટન કરશે.”
રિપોર્ટમાં બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત 130 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન (IBFP)નો ઉપયોગ કરીને બાંગ્લાદેશમાં ડીઝલની નિકાસ કરશે.ભારતની લોન સહાયથી આ પાઈપલાઈન લગભગ 3.46 અબજ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે.મોમેને કહ્યું, “ભારત અમને ડીઝલ આપશે તે સારા સમાચાર છે. પાઇપલાઇન તૈયાર છે.”
ભારતમાંથી પાઇપલાઇન દ્વારા ડીઝલની આયાત કરવા માટે 2017માં લાંબા ગાળાનો કરાર થયો હતો. પાઇપલાઇન પશ્ચિમ બંગાળના સિલીગુડીથી દિનાજપુરના પાર્વતીપુર ખાતેના મેઘના પેટ્રોલિયમ ડેપો સુધી જાય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દ્વિપક્ષીય પ્રોજેક્ટ, જે માર્ચ 2020 માં શરૂ થયો હતો, તે અગાઉ જૂન, 2022 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ કોવિડ રોગચાળાને કારણે વિલંબ થયો હતો.