Site icon Revoi.in

પીએમ મોદી 7 સપ્ટેમ્બરે શિક્ષકો-વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે

Social Share

દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરે શિક્ષકોના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવતા શિક્ષા પર્વ દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે.અધિકારીઓએ આ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રી આ પ્રસંગે પાંચ પહેલ પણ શરૂ કરશે, જેમાં 10,000 શબ્દોનો ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ, ટોકિંગ બુક્સ, સીબીએસઇની સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક, સ્કિલ્ડ ઇન્ડિયા માટે શિક્ષક તાલીમ કાર્યક્રમ, અને વિકાસ માટે શિક્ષા સ્વયંસેવકો, દાતાઓ અને ‘સીએસઆર’ દાતાઓની સુવિધા માટે વિદ્યાંજલિ પોર્ટલ સામેલ છે.

શિક્ષણ મંત્રાલય શિક્ષકોના અમૂલ્ય યોગદાનને ઓળખવા અને નવી શિક્ષણ નીતિ 2020 ને આગળ વધારવા માટે 5 થી 17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વની ઉજવણી કરી રહ્યું છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 5 સપ્ટેમ્બરે શિક્ષકોને રાષ્ટ્રીય પુરુસ્કાર કોવિડ-19 સ્થિતિને કારણે એક વેબિનાર દ્વારા પ્રદાન કરશે.

તેમણે કહ્યું કે, “વર્ષ 2021 માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ સ્તરીય પસંદગી પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી હતી અને ત્યારબાદ ઓનલાઇન સ્વ-નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એવોર્ડ મેળવનાર 44 શિક્ષકોમાંથી દરેક પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવશે.

શિક્ષકો માટે રાષ્ટ્રીય પુરસ્કારો સૌપ્રથમ 1958 માં યુવાનોના ભવિષ્યને ઘડવામાં શિક્ષકોની શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતાને ઓળખવા માટે રજૂ કરવામાં આવ્યા હતા. 1960 ના દાયકાના મધ્યભાગથી પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા શિક્ષણશાસ્ત્રી સર્વેપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને કારણે સમારોહની તારીખ 5 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સંબંધિત લોકોને સંબોધિત કરશે.” તેઓ શાળા શિક્ષણ વિભાગની પાંચ પહેલ પણ શરૂ કરશે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવી, સુભાષ સરકાર અને રાજકુમાર રંજન સિંહ પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

તેમણે કહ્યું કે,ઉદ્દઘાટન પરિષદ પછી વેબિનાર, સેમિનાર વગેરેનું આયોજન 17 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે જેમાં દેશની વિવિધ શાળાઓના શિક્ષણવિદોને પણ તેમના અનુભવો શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

Exit mobile version