Site icon Revoi.in

ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસનું 30મીએ PM મોદી લોકાર્પણ કરશે

Social Share

અમદાવાદઃ  કેન્દ્રીય રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનની મુલાકાત લીધા બાદ કાળુપુર  રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. તેમણે વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ થયાની માહિતી મેળવ્યા બાદ જણાવ્યુ હતુ કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 30મીએ વંદે માતરમ્ ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાપર્ણ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ-રન કરવામાં આવ્યું છે.  180ની સ્પીડમાં પણ ટ્રેન સ્ટેબલ છે. ટ્રાયલ દરમિયાન ડ્રાઇવર પાસે પાણીનો ગ્લાસ પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે 180ની સ્પીડ હોવા છતાં ગ્લાસ સ્થિર જ રહ્યો હતો. આગામી 30 સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેન કે જે ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડવાની છે તેનું લોકાર્પણ કરશે. આ સેમી હાઇસ્પીડ ટ્રેનની ભેટ ગુજરાતને મળશે. ગુજરાતવાસીઓને બુલેટ ટ્રેનની ભેટ મળે તે પહેલાં જ સેમી હાઇસ્પીડ ટ્રેન એટલે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની નવરાત્રિમાં ભેટ મળશે. આજે આ ટ્રેનનું મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગર – મુંબઈ વચ્ચે દોડશે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2022 પૂર્ણ થાય તે પહેલાં અમદાવાદ પૂર્વથી પશ્ચિમ સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે અને ગાંધીનગર મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ દોડતી થશે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી આપશે. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત એક્સપ્રેસનું અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈના રૂટ પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. 16 કોચની આ ટ્રેનમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે. આ ટ્રેનમાં અંદાજે 1100 પ્રવાસીઓ એકસાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેનનું સુરત રેલવે સ્ટેશને કોમર્શિયલ સ્ટોપેજ રાખવામાં આવ્યું છે. જો કે, લોકોની માગ છે કે વડોદરામાં પણ સ્ટોપેજ આપવામાં આવે. ટ્રેનની વિશેષતા અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે. તેમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ્સ, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ સહિતની સુવિધાઓ મળશે. આ ઉપરાંત આરામદાયક ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારની સીટ આપવામાં આવી છે. વંદે માતરમ ટ્રેન 160થી 180 કિલોમીટરની ઝડપે દોડશે અને 491 કિલોમીટરનું અંતર 6થી 6.25 કલાકમાં કાપશે.

Exit mobile version