Site icon Revoi.in

પીએમ મોદી આ દિવસે મધ્યપ્રદેશની મુલાકાત લેશે,રીવામાં વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે 24 એપ્રિલે મધ્યપ્રદેશના રીવા પહોંચશે અને 4.11 લાખ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના (PMAY-ગ્રામીણ) ગૃહ પ્રવેશ કાર્યક્રમ સહિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણી 2024માં થવાની છે. ગુરુવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે PMAY (ગ્રામીણ) ના 4.11 લાખ લાભાર્થીઓને રાજ્યમાં “ગૃહ પ્રવેશ” કાર્યક્રમમાં વડાપ્રધાનના હાથે તેમના ઘરો મળશે.

ગુરુવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે,વડા પ્રધાન રીવા વિભાગમાં રૂ. 7,573 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોદીએ મધ્યપ્રદેશમાં રેલ નેટવર્કના 100 ટકા વિદ્યુતીકરણ, કોટા-બીના સેક્શન પર રેલ્વે લાઇનને બમણી કરવા, ગેજ કન્વર્ઝન અને છિંદવાડા-નૈનપુર-મંડલા ફોર્ટ સેક્શન, બિરલા નગર-ઉરી મોડ કિલો અને મહોબા-ખજુરાહો -ઉદયપુરા રેલખંડ વિદ્યુતીકરણ સહિત અનેક રેલ પ્રોજેક્ટો સમર્પિત કરશે.

અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન આ પ્રસંગે ત્રણ નવી ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે જેમાં રીવા-ઈટવારી વાયા છિંદવાડા પેસેન્જર ટ્રેન, છિંદવાડા-નૈનપુર અને નાયપુર-છિંદવાડા ટ્રેનનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય સમારોહ રીવાના સ્પેશિયલ આર્મ્ડ ફોર્સીસ ગ્રાઉન્ડમાં યોજાશે. અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર એક વેબસાઈટ અને મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવશે.

 

Exit mobile version