Site icon Revoi.in

મહેસાણાના જોટાણામાં ધોળે દહા’ડે લૂંટ કેંસના 3 આરોપીને પોલીસે UPથી દબોચી લીધા

Social Share

મહેસાણાઃ જિલ્લાના જોટાણામાં ત્રણ મહિના પહેલા એક બંગલા પર ધાડપાડુઓ ત્રાટક્યા હતા. એક પરિવારને ધોળે દહાડે બંદૂક બતાવી લાખોની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે લૂંટ કેસના ઉકેલ માટે ભારે જહેમત ઉટાવી હતી. સીસીટીવી કેમેરાના કૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને ટેકનોલોજીની મદદથી લૂંટારૂં ગેન્ગના ત્રણ શખસોને ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે.

મહેસાણાના જોટાણા ગામમાં ત્રણ માસ પહેલા 25-09-2023ના રોજ થયેલી લાખોની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો છે. લૂંટ કેસ ઉકેલવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસે  400 CCTV તપાસ્યા, 6 જિલ્લામાં તપાસ કરી, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તપાસ કરી લૂંટનો ભેદ ઉકેલી દીધો છે.

આ કેસની વિગત એવી હતી કે, જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે ત્રણ માસ અગાઉ લૂંટની ઘટના બની હતી. ચાવડાના ઘરમાં તેમની પત્ની, માતા, વૃદ્ધ માજી અને બે બાળકો હાજર હતા. કિયા કારમાં આવેલા લૂંટારૂ શખસો બંદૂક અને છરી સાથે ઘરમાં ઘૂસી ગયા હતા. અને પરિવારને બંધક બનાવી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 44.92 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ પરિવાર આઘાતમાં સરી ગયો હતો. કારણ કે મહિલાઓ અને વૃદ્ધ માજીને પણ બંધક બનાવી બાળકોને રૂમમાં પૂરી દઈ બંદૂક બતાવી લૂંટ ચલાવાઇ હતી. લૂંટ બાદ ફરાર થયેલા આરોપીઓને પકડવા મહેસાણા પોલીસે ત્રણ માસમાં રાત દિવસ એક કરી દીધો હતો.અને આખરે 3 આરોપીઓને ધરદબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપીઓએ લૂંટનો પ્લાન એક બે દિવસ નહિ પણ થોડા વર્ષો અગાઉથી બનાવી દીધો હતો. અને  લૂંટારૂ શખસોએ છૂટક કપડા વેચતા ફેરિયા બની જોટાણામાં રેકી કરી હતી. લૂંટ માટે પાલનપુરમાં ભાડે મકાન રાખી રહેતા હતા.યુપીથી પકડાયેલો જમશેદઅલી 12 વર્ષથી ચામડાના વેપાર સાથે સંકળાયેલો હતો. નંદાસણ અને જોટાણામાં ચામડાના વેપાર માટે પણ આવતો હતો. ફરિયાદીના પરિવાર પણ ચામડાના વેપાર સાથે સંકળાયેલો હોઈ ફરિયાદી પરિવારની તમામ દિનચર્યા અને પરિવારના સભ્યોને જાણતો હતો. જમશેદઅલીએ ત્રણ માસ પહેલા નહિ પણ સાડા ચાર વર્ષ અગાઉ લૂંટનો પ્લાન બનાવી યુ.પી.થી માણસો બોલાવી લૂંટનો પ્રયાસ કરેલો પણ લૂંટ માટે સામાન પૂરો નહિ હોવાથી લૂંટને અંજામ આપી શક્યા નહતા. ત્યારબાદ તેની સાથે સંકળાયેલ શાનું ઉર્ફે મુલ્લો સાથે યુપી જેલમાં જતા ત્રણ વર્ષ જેલમાં ફરીથી શાનું અને જમશેદઅલીએ લૂંટનો અધૂરો પ્લાન પુરો કરવાનું નક્કી કર્યું હતું.  જેલમાં સોહેલ અલી, કપડાની ફેરી કરતો વાજિદ સહિતના માણસોએ યુપીની જેલમાં જોટાણાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો.  અને ત્રણ માસ અગાઉ કરેલી લૂંટ પહેલાના દોઢ મહિના પહેલા પાલનપુર આવી ગયા હતા. જ્યાંથી સ્વિફ્ટ કાર લઈને જોટાણા બીજી વાર લૂંટ કરવા આવ્યો હતા. પરંતુ સ્વિફ્ટ કારના ડ્રાઈવરે ના પાડતા લૂંટને અંજામ આપ્યા વગર પરત ફર્યા હતા. ત્યારબાદ ફરીથી પાલનપુર રોકાઈ અને બંદૂક સહિતના હથિયારોની વ્યવસ્થા કરી કિયા કાર લઈને જોટાણા પહોંચી આખરે લૂંટ ને અંજામ આપ્યો હતો.

લૂંટ ઉકેલવા મહેસાણા એલસીબી પોલીસ સહિત 4 ટીમો બનાવાઇ હતી. લૂંટ ના મૂળ સુધી પહોંચવા લૂંટ માં ઉપયોગમાં લેવાયેલ કિયા ગાડી કામ લાગી હતી. પોલીસે મહેનત કરીને 3 આરોપીઓ પકડી પાડ્યા છે. પણ હજુ 5 આરોપીઓ હજુ ફરાર છે. 44.92 લાખની મત્તામાંથી માત્ર 1.10 લાખ જ રિકવર થયા છે.