Site icon Revoi.in

ઊંઝાના કામલી ગામે નકલી જીરૂ બનાવતી ફેકટરી પર પોલીસની રેડ, ડ્રગ્સ વિભાગ પણ દોડી આવ્યો

Social Share

મહેસાણાઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં પણ ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કડક હાથે કામ લેવાની માગ ઊઠી છે. મહેસાણાના ઊંઝા નજીક કામલી ગામ પાસે નકલી જીરૂ બનાવતી એક ફેકટરી પોલીસે પકડી પાડી હતી. પોલીસે નકલી જીરાના નમુના લઈને એફએસએલને મોકલી આપ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ખાસ કરીને ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ ખૂબ ગંભીર બાબત ગણી શકાય છે, ત્યારે મહેસાણાના ઊંઝાના કામલી પાસે શંકાસ્પદ ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. આ કેસમાં મહેસાણાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારોની નિષ્ક્રિયતા જોવા મળી હતી. પોલીસે કામલી ગામે નકલી જીરાની ફેકટરી પર પાડેલી રેડ દરમિયાન ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થોનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. લોકોના સ્વાથ્ય સાથે નુકશાન પહોંચાડી શકે તેવા પદાર્થો ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવી રહ્યું છે. વેસ્ટ વરિયાળી નાની સાઈઝનું કટીંગ અને આ કેમિકલો દ્વારા આ ડુપ્લીકેટ જીરૂ બનતું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે.

ઊંઝાની આજુબાજુ અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે, જ્યાં અનેકવાર આવું ડુપ્લિકેટ જીરું બનાવતી હોવાની માહિતી મળી રહી છે અને ફેક્ટરીઓ ઝડપાઈ પણ છે. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રહેમ નજર હેઠળ ચાલતી  વધુ એક ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે.

મહેસાણા SOGએ બાતમીના આધારે કામલી પાસે એક ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ જીરુ બનતું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન મોટી માત્રામાં ડુપ્લિકેટ જીરું, તેમજ કેમિકલ, ગોળનું પાણી તેમજ અન્ય પદાર્થો મળી આવ્યા છે. મહેસાણા SOG એ ઘટના સ્થળે પહોંચી ફૂડ વિભાગને જાણ કરતાં ફૂડ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ડુપ્લિકેટ જીરું બનાવતા લોકો ભાગી જવામાં સફળ થયા છે. સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી ફેક્ટરીઓ સામે ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઊભા થયા છે. ફૂડ વિભાગ ધ્વારા દરેક મટીરીયલના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.