Site icon Revoi.in

ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાનું પોસ્ટ વિભાગે કર્યું અનોખુ સન્માન

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા નીરજ ચોપરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય ડાક વિભાગે હરિયાણાના પાનીપત ખાતે આવેલા નીરજ ચોપરાના ગામમાં એક ગોલ્ડન કલરનું પોસ્ટ બોક્સ લગાવ્યું છે જેના પર નીરજનું નામ પણ લખ્યું છે. આમ ભારતીય પોસ્ટ વિભાગે ગોલ્ડન બોય નીરજ ચોપરાનું અનોખી રીતે સન્માન કર્યું છે.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બોક્સની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચર્ચિત બની છે. હરિયાણાના ખંડરા ગામમાં લાગેલા આ ગોલ્ડન કલરના પોસ્ટ બોક્સ પર લખ્યું છે કે, શ્રી નીરજ ચોપરા, ભાલા ફેંક સુવર્ણ પદક વિજેતા ટોક્યો ઓલમ્પિક 2020ના સન્માનમાં. સોશિયલ મીડિયામાં લોકોને આ પોસ્ટ બોક્સ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. નીરજ ચોપરા હાલ અમેરિકામાં છે અને ત્યાં તેમણે અત્યારથી જ પેરિસ ઓલમ્પિકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીરજ ચોપરાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ જિમમાં પરસેવો વહાવતા જોવા મળ્યા હતા. નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિકમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ઈતિહાસ સર્જ્યો હતો અને ખાનગી સ્તરની રમતમાં ભારત માટે ઓલમ્પિકમાં ગોલ્ડ જીતનારા બીજા ખેલાડી બન્યા હતા. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Exit mobile version