Site icon Revoi.in

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓના અકડ વલણને લીધે બટાટા-ડુંગળીની આવક બંધ

Social Share

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં  સતત બીજા દિવસે ડુંગળી-બટેટાની આવક બંધ રહેતા બજારમાં માલની ખેંચ વર્તાઈ રહી છે અને લાંબો સમય આવક બંધ રહે તો અછતની ભીતિ સર્જાઈ તેમ છે. મૂળભૂત રીતે ટ્રાન્સપોર્ટ અને મજૂરોની લડાઈમાં લોકોનો મરો થાય તેવા સંજોગો નિર્માણ થયા છે. દરમિયાન આ મુદે આજે બપોરે બેઠક મળનાર હોવાનું જાણવા મળે છે.

રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીના જણાવ્યા મુજબ રાજકોટમાં પાલનપુર-ડીસા પંથકથી બટેટા અને મહારાષ્ટ્રના નાસિકથી ડુંગળી તેમજ સંગમનેરથી ટમેટાની આવક થાય છે. તાજેતરમાં ટ્રાન્સપોર્ટર્સે એવો નિર્ણય કર્યો છે કે, જે વેપારી-દલાલનો માલ હોય મજૂરી તેણે ચુકવવાની રહેશે જેના પગલે વેપારીઓ-દલાલોમાં કચવાટ છે. મજૂરોને કોણ રકમ ચુકવે તે ડખ્ખાના કારણે આંતર જિલ્લા અને આંતર રાજ્ય આવકો ઝડપભેર ઘટવા લાગી છે. ડુંબળી, બટેટા ઉપરાંત ટમેટાની આવક પણ ઘટી ગઈ છે.

દરમિયાન યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિનું નિવારણ લાવવા આજે બપોરે તાકિદની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં વેપારીઓ, દલાલો, ટ્રાન્સપોર્ટર્સ અને મજૂરો ઉપસ્થિત રહેશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી બની ગઈ છે, એટલે ટ્રાન્સપોર્ટરોએ ખર્ચમાં ઘટાડો કરવા જીસકા માલ ઉસકા હમાલની નીતિ લાગુ કરીને ટ્રકમાં માલ-સામાન ઉતારવા-ચઢાવવાની મજુરી જેનો માલ હોય તેને જ ચુકવવી પડશે તેવો નિયમ લાગુ કરતા તેનો વેપારીઓએ વિરોધ કર્યો છે. અને માર્કેટ યાર્ડમાં વેપારીઓના વિરોધને કારણે ટ્રાન્સપોર્ટરો માલ ઉઠાવતા નથી. અને નવો માલ લાવતા પણ નથી. તેથી બટાટા અને ડુંગળીની આવક બંધ થઈ ગઈ છે.