Site icon Revoi.in

CBIના નવા ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદની કરાઈ નિમણૂક, 2 વર્ષ સુઘી આ પોસ્ટ પર આપશે સેવા

Social Share

દિલ્હીઃ- સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટરને લઈને 3 નામો ચર્ચામાં હતા ત્યારે ફાઈનલી એક નામ પર મ્હોર લાગી ચૂકી છે,જાણકારી પ્રમાણે પ્રવીણ સૂદને CBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવીણ સૂદની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણ સૂદ અગાઉ કર્ણાટકના પોલીસ વડા પણ રહી ચૂક્યા છે.

આ સાથે જ પ્રવીણ સૂદ વર્તમાન સીબીઆઈ ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 25 મે ના રોજ પુરો થઈ રહ્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ પ્રવીણ સૂદના નામ પર મ્હોર લગાવી  છે. આ સમિતિમાં પીએમ મોદી ઉપરાંત ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આજરોજ રવિવારે એક સરકારી આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે સૂદ કર્ણાટક કેડરના 1986 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે. CBI ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ 25 મેના રોજ પૂરો થશે. તેમણે માહિતી આપી હતી કે સૂદને બે વર્ષના સમયગાળા માટે CBI ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સમિતિએ ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા હતા. જે બાદ આ નામો કેબિનેટની નિમણૂક સમિતિને મોકલવામાં આવ્યા હતા. આ સમિતિએ CBIના નવા અધ્યક્ષનું નામ નક્કી કર્યું. કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ, ડીજી ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સ તાજ હસન અને મધ્યપ્રદેશના ડીજીપી સુધીર કુમાર સક્સેનાના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

પ્રવીણ સૂદ 1986 બેચના IPS અધિકારી છે. હાલના CBI ડિરેક્ટર સુબોધ કુમાર મુંબઈ પોલીસ કમિશનર હતા અને તેઓ મુંબઈ પોલીસ કમિશનરમાંથી CBI ડિરેક્ટર બન્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ બે વર્ષનો હોય છે પરંતુ તેને પાંચ વર્ષ સુધી વધારી શકાય છે.

ઉલ્લેખનીય છે કે  પ્રવીણ સૂદ એવા સમયે CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે એજન્સી અનેક સંવેદનશીલ કેસોની તપાસ કરી રહી છે. જેમાં પેગાસસ સ્પાયવેર, કોરોના મહામારી દરમિયાન મેડિકલ સાધનોની ખરીદીમાં કૌભાંડ જેવા કેસોનો સમાવેશ થાય છે.