Site icon Revoi.in

કચ્છના ઘોરડો ખાતે ફેબ્રુઆરીમાં યોજાનારી G-20ની શિખર બેઠક માટે તૈયારીઓ શરૂ કરાઈ

Social Share

ભૂજઃ કચ્છના ઘોરડોના સફેદ રણ વિસ્તાર પ્રવાસન તરીકે વિકાસ કરાયો છે. દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ ઘોરડોની મુલાકાતે આવે છે. ત્યારે ભારતને જેનું યજમાનપદ મળ્યું છે. એવી જી-20ની શિખર બેઠક પણ આગમી ફેબ્રુઆરીમાં ઘોરડો ખાતે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કેન્દ્રિય ટીમ પણ મુલાકાતે આવી હતી. અને સુરક્ષાથી લઈને તમામ મુદ્દાની સમીક્ષા કરી હતી. હવે તંત્ર દ્વારા જી-20ની શિખર બેઠક માટેની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને જી-20નું અધ્યક્ષપદ મળવાની સાથે જ ફેબ્રુઆરીમાં કચ્છના નમકાચ્છાદિત શ્વેતરણમાં પ્રથમ જી-20 બેઠક મળશે. પ્રથમ કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક મધ્યપ્રદેશના ખજુરાહોમાં યોજવા સહિત વર્ષભર ચાલનારા કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.  વિદેશમંત્રાલયના કહેવા મુજબ, મંત્રીઓ અને અધિકારીઓ અને તેમના ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચે ઘણી બેઠકો થશે. વર્ષની પ્રથમ જી-20 બેઠક માટે ભારત તૈયાર છે અને તેના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી આ બેઠક માટે ગુજરાતના કચ્છના રણ અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં લઇ જવામાં આવશે. પ્રથમ ટૂરિઝમ વર્કિંગ ગ્રુપ બેઠક 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન કચ્છના રણ ખાતે અને પ્રથમ કલ્ચરલ વર્કિંગ ગ્રુપ બેઠક 23-25 ફેબ્રુઆરીના ખજુરાહો ખાતે યોજાશે. ઉપરાંત ફેબ્રુઆરી સુધી મુંબઇ, બેંગલુરુ, કોલકાતા, પૂણે, તિરુવનંતપુર, ચંદીગઢ, જોધપુર, ચેન્નાઇ, ઇન્દોર અને લખનૌમાં યોજાનારી અન્ય બેઠકો અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પૈકી બે બેઠક વર્ચ્યુઅલ યોજવામાં આવશે. જી-20 સચિવાલયે જી-20 ઓપરેશન્સ, સુરક્ષા, બ્રાન્ડિંગ, એસેસરિઝ, મીડિયા, આઇટી જેવા અનેક વર્ટિકલ્સ તૈયાર કર્યા છે અને ત્યાં એક’ વર્ટિકલ ઓફ કો-ઓર્ડિનેટર પણ હશે. માત્ર દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર દેશમાં જી-20નું આયોજન કરવાની તૈયારી કરવામાં આવશે. આમ કરવાથી વિશ્વને ભારતની અજોડ વિવિધતા અને સમૃદ્ધ વારસો જોવા મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના ઘોરડો ખાતે જી-20ની શિખર બેઠક યોજવાનો વિધિવત નિર્ણય લેવાયા બાદ તંત્ર પણ કામે લાગ્યું છે. આ શિખર બેઠકમાં ભાગ લેવા આવી રહેલા વિદેશી મહાનુભાવો ગુજરાત-કચ્છના મહેમાન બનશે.