Site icon Revoi.in

જુનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ, સાધુ-સંતો, ઉતારા મંડળ અને વહિવટી તંત્રની બેઠક મળી

Social Share

જુનાગઢઃ મહા શિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયાએ જણાવ્યું હતુ. કે, જૂનાગઢની પવિત્ર ધરતી પર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રીના મેળામાં આવે છે. ત્યારે તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે તંત્રની જવાબદારી છે. તેના ભાગરૂપે મેળાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેળા દરમિયાન સફાઈ, પાણી, વીજળી શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધા માટે જરૂરી આયોજન કરાયુ છે. આ વખતે મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પાર્કિંગ માટે બે નવા સ્થળો પણ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસ.ટી બસના રૂટને સર્ક્યુલર વેમાં ગોઠવવામાં આવશે.  મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરતાં ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને હેલ્થ સેવાઓ મળી રહે તે માટે બાઈક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આ માટે ફાયર અને હેલ્થની ટીમ વચ્ચે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે.

તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભવનાથ તળેટીમાં પ્રવાસીઓના ઉતારા નજીક હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરાયું છે. તેમજ મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, મેળાના આયોજન માટે મળેલી બેઠકમાં મૂકતાનંદ બાપુએ ભાવિકોને પીવાના પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવા માટે પહેલ કરી હતી. તેમણે સુમેળ સાથે પરિવર્તનનો સ્વીકાર કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું. હરિગીરીબાપુએ સૌએ કર્તવ્યનું નિર્વાહન સાથે મહાશિવરાત્રીની મેળાની આધ્યાત્મિક ગરિમા વધારવા જણાવ્યું હતું. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાધુ સંતો તંત્રની સાથે છે દર વખતની જેમ આ વર્ષે પણ સુંદર મેળો યોજાશે. તેમજ મહેન્દ્રાનંદગીરી મહારાજે જુનાગઢ વહીવટી તંત્રની મેળાની કામગીરીને બિરદાવી હતી.

મુજકુંદ ગુફાના મહંત અને મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીનો મહોત્સવ ઉજવવામાં આવશે.  જુનાગઢ તંત્ર સાથે સાધુ સંતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જુનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં જૂનાગઢના તમામ વિભાગોને સાથે રાખી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુનાગઢ શિવરાત્રી મેળામાં આવતા ભાવિકોને કોઈપણ પ્રકારની અસુવિધાઓ વેઠી ન પડે તે માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષનો મેળો અતિ સુંદર રીતે સૌ માણી શકે તેને લઈ સાધુ-સંતો ઉતારા મંડળ તેમજ અગ્રણીઓ સાથે વહીવટી તંત્ર દ્વારા એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.