Site icon Revoi.in

સોમનાથ મંદિરમાં શ્રાવણોત્સવની ધૂમ તૈયારીઓ, 250 જવાનો રાઉન્ડ ઘ ક્લોક રહેશે તૈનાત

Social Share

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણોત્સવની ઘુમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતી કાલે શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના કાળ પૂર્ણ થયા બાદ આ વર્ષે મંદિરમાં દર્શન માટે કોઈ જ પ્રકારના પ્રતિબંધો લાગુ ન હોવાથી ભાવિકો રંગેચંગે શ્રાવણોત્સવની ઉજવણી કરી શકશે. યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડનાર હોવાથી પોલીસ દ્વારા મંદિરને ‘અભેદ્ય’ કવચ પૂરું પાડવામાં આવ્યું છે અને 250 જવાનોનો કાફલો રાઉન્ડ ધ ક્લોક મંદિર પરિસરમાં તૈનાત રહેશે. આ અંગે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે કોરોનાના બે વર્ષ પછી છૂટછાટ મળતાં આ વર્ષે ભાવિકોની સંખ્યામાં વધારો થશે એટલે યાત્રિકોની સલામતી માટે પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

યાત્રાધામ સોમનાથમાં દાદાના દર્શન માટે શ્રાવણ મહિના દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો રહેશે. મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભાવિકોની સંખ્યાને પહોંચી વળવા માટે રેલિંગની સંખ્યા વધારવામાં આવી છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પણ અલગ કરવામાં આવ્યા છે જેથી ક્યાંય પણ ગીર્દી ન થાય. ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ ઉપરાંત એસઆરપી, ક્યુઆરટીનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પીસીઆર દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. પહેલીવાર મંદિર પરિસરમાં હથિયારધારી પોલીસ સાથે વોચટાવર ઉભો કરવામાં આવ્યો છે જે મંદિરમાં લોકોની અવર-જવર ઉપર બાજનજર રાખશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતાં બાળકો ભૂલા ન પડી જાય તે માટે એન્ટ્રી સમયે જ બાળકના વાલી પાસેથી તેમનો કોન્ટેક્ટ નંબર મેળવી લેવાશે. જેથી બાળકને તેના વાલીઓ સાથે તાત્કાલિક મેળાપ કરાવી શકાશે. બીજી બાજુ મંદિર ફરતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે જેના ઉપર પણ પોલીસની 24 કલાક નજર રહેશે. મંદિરના સિક્યોરિટી સ્ટાફને ભાવિકો સાથે વ્યવસ્થિત વ્યવહાર કરવા, પોલીસ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી છે. સોમનાથ મંદિર દરિયા કાંઠે આવ્યું હોવાથી દરિયાઈ માર્ગે કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ ન અપાય તે માટે નેવી અને કોસ્ટગાર્ડસાથે પોલીસ સંકલનમાં રહેશે.