Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી જુને આવશે ગુજરાતના પ્રવાસે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કરશે સમીક્ષા

Social Share

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર આગામી તા. 5મી જુને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ રહી હોવાથી વડાપ્રધાન કામગીરીના નિરિક્ષણ માટે આવી રહ્યા છે. જો કે વડાપ્રધાનના કાર્યક્રમની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર  મોદી આગામી 5 મી જૂને ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. જો કે તેમની આ મુલાકાત માટે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે સુરત આવી શકે છે. વડાપ્રધાન મોદી મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ એટલેકે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી તેની સમીક્ષા કરવા ગુજરાત આવે તેવી સંભાવના છે. મહત્ત્વનું છે કે, બુલેટ ટ્રેન એ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ છે. જેથી પીએમ મોદી સુરત આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા આવી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતના સુરત શહેરની હદમાં આવેલા અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અંત્રોલી એ સુરતના પલસાણા તાલુકામાં આવેલું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો અંત્રોલી અને બીલીમોરા વચ્ચે ચાલી રહ્યો છે. એની કામગીરી વર્ષ 2024 સુધી પુરી કરવામાં આવશે.  બુલેટ ટ્રેનના સ્ટેશનમાં હાલ બે માળનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આ અગાઉ 12 મી મેના રોજ એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં હતાં. તે સમયે પણ તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

Exit mobile version