Site icon Revoi.in

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતના વડાપ્રધાન મોદી સાથે કરી વાતચીત, કોવિડની રસી આપવા કરી વિનંતી

Social Share

દિલ્લી: પીએમ મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાતચીત કરી હતી. આ ફોન ખુદ ટ્રુડો તરફથી કરવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન ટ્રુડોએ પીએમ મોદીને કોરોના વેક્સીનને લઈને મદદ માંગી હતી. આના પર પીએમ મોદીએ કેનેડાને વેક્સીન અપાવવામાં તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે કોરોનાની આ લડાઇમાં ભારત સંપૂર્ણ રીતે કેનેડાની સાથે છે.

જસ્ટિન ટ્રુડોએ પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, જો વિશ્વના દેશો કોરોના સામેની જંગમાં જીત મેળવે છે, તો ભારતની મેડીકલ ક્ષમતા અને પીએમ મોદીનું નેતૃત્વ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બંને નેતાઓએ બંને દેશોના સંબંધને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે જળવાયું પરિવર્તન,કોરોના મહામારી દરમિયાન આવી રહેલ મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરવા સંમત થયા હતા.

વાતચીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, તેઓ ટ્રુડો સાથે વાત કરીને ખુશ છે. ભારતે કેનેડાને કોરોના વેક્સીન આપવાનું વચન આપ્યું છે. આ સાથે બંને દેશોએ જળવાયું પરિવર્તન અને કોરોના મહામારી દરમિયાન આર્થિક સમસ્યાઓનો સંયુક્ત રીતે સામનો કરવા સંમત થયા. પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશો આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો દરમિયાન મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ગયા અઠવાડિયે જ ભારતીય વિદેશ સેવાના અધિકારી અનુરાગ શ્રીવાસ્તવે અહેવાલ આપ્યો હતો કે,ભારતે અન્ય દેશોની મદદ માટે કોરોના વેક્સીનના 65 લાખ ડોઝ મોકલાવ્યા હતા, જ્યારે 100 લાખ ડોઝ વ્યાપારી પુરવઠા હેઠળ મોકલવામાં આવ્યા હતા. ભારતમાં પહેલેથી જ એક વ્યાપક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત દેશભરમાં કોરોના ફ્રન્ટલાઇન વોરીયર્સને વેક્સીન આપવામાં આવી રહી છે.

-દેવાંશી