Site icon Revoi.in

પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ઉમેદવાર બનશે, તો કોણ હશે ભાજપના ઉમેદવાર?

Social Share

રાયબરેલી: ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં લોકસભાની ચૂંટણી રાજનીતિ ગરમાય છે. સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં નહીં ઉતરવાનો ફેંસલો કર્યો છે. સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનવાના છે. સોનિયા ગાંધીના રાયબરેલીથી ઉમેદવારી છોડવાના દાવા સાથે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ ઉમેદવાર બને તેવી શક્યતાની ચર્ચા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના રાયબરેલી પહોંચવા પર મોટી ઘોષણાની શક્યતાની પણ અટકળો છે. રાયબરેલીમાં ગાંધી પરિવારના વારસાને સંભાળવાની જવાબદારી પ્રિયંકા ગાંધી પર આવી શકે છે. રાયબરેલીની જનતાને લખેલા ભાવુક પત્રમાં સોનિયા ગાંધીએ મોટા સંકેત આપ્યા છે. યુપીમાં મિશન-80 લઈને ચાલી રહેલું ભાજપ રાયબરેલીમાં કોંગ્રેસને વોકઓવર આપવાના મૂડમાં નથી. પ્રિયંકા ગાંધીના રાયબરેલીમાંથી ઉમેદવાર બનવાની સ્થિતિમાં ભાજપ  મોટો રાજકીય પડકાર બને તેવા ઉમેદવારને મેદાને ઉતારશે.

ગાંધી પરિવારના અમેઠીના ગઢમાં તો 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવીને સ્મૃતિ ઈરાનીએ ગાબડું પાડયું હતું. હવે રાયબરેલીમાં પણ આવું જ કરવાની ભાજપની ગણતરી છે. માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે, તો તેમની સામે સ્મૃતિ ઈરાની જેવા કોઈ મજબૂત ચહેરાને ભાજપ ઉમેદવાર બનાવશે.

સ્મૃતિ ઈરાની અમેઠી સાથે રાયબરેલીમાં પણ સક્રિય છે અને તેવા સંજોગોમાં તેમના નામની પણ ચર્ચા છે. પરંતુ રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાની અમેઠી છોડશે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. જો કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી જ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં ભાજપ હાઈકમાન્ડ તેમને અમેઠીમાંથી હટાવીને રાયબરેલીથી ઉતારે તેવી શક્યતા નકારી શકાતી નથી.

પ્રિયંકા ગાંધી માટે મોટો પડકાર ભાજપના ધારાસભ્ય અદિતિ સિંહ છે. તેઓ યુપી વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. રાયબરેલી બેઠક પર તેઓ પહેલીવાર કમળ ખિલવવામાં કામિયાબ રહ્યા હતા. તે દરમિયાન તેમણે રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. હવે લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાઁધીની રાયબરેલીમાં ઉમેદવાર બનવાની ચર્ચાઓ વચ્ચે ભાજપ અદિતિસિંહને પણ તેમની વિરુદ્ધ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.