Site icon Revoi.in

ગીર જંગલમાં હોર્ન, ટેપ, રેડિયો, માઈક કે કોઈપણ જાતના વાજિંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ

Social Share

જૂનાગઢઃ સામાન્ય રીતે વન્યપ્રાણી વિચરણ વિસ્તારમાં પ્રાણીઓને, પ્રકૃતિને નુકસાન થાય તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. જેના કારણે પ્રાણીઓને ખલેલ પહોંચતો હોય છે. તો આ અંગે જૂનાગઢ ગીર પશ્ચિમ વન વિભાગ દ્રારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જૂનાગઢ ગીર પશ્ચિમ વન વિભાગના જણાવ્યા અનુસાર, થોડીક જાગરૂકતા આપણી, બની રહે સલકમત વન્યપ્રાણીઓની અને ખુશહાલી બની રહે આપણા પરિવારની, વન્યપ્રાણી વિચરણ વિસ્તારમાં જાવ ત્યારે અભ્યારણને/વન્ય પ્રાણીને નુકસાન થાય તેવા પદાર્થો તથા પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે, વન્ય પ્રાણીઓને ઘોંઘાટ પસંદ ન હોય જગલમાં હોર્ન, ટેપ, રેડિયો, માઈક કે કોઈપણ જાતના વાજિંત્રો વગાડવાની સખ્ત મનાઈ છે, જંગલમાં ચૂલા, તાપણા સળગાવવા નહીં તેમજ જંગલમાં આગ લાગે તેવા વિસ્ફોટક પદાર્થો લઈ જવાની સખ્ત મનાઈ છે, રસ્તા પરથી પસાર થતી પ્રાણીઓને રંજાડવા નહી તેમજ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સખ્ત મનાઈ છે.

આ ઉપરોક્ત સૂચનાનું પાલન કરવામાં નહિ આવે તો પ્રવૃત્તિઓના ભંગ બદલ રૂ. પાંચ લાખ સુધીનો દંડ અથવા 3 થી 7 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં એશિયનટીક લાયન્સ માત્ર ગીર જંગલમાં જ વસવાટ કરે છે. આજે ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારમાં 600થી વધારે સાવજો વસવાટ કરી રહ્યાં છે. સિંહોની સુરક્ષાને લઈને વનવિભાગની ટીમ સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ દરરોજ મોટી સંખ્યામાં સાસણગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓ સિંહદર્શન કરવા જાય છે.