Site icon Revoi.in

પ્રોટીનથી ભરપૂર મગ દાળ પનીર ફુદીના ચીલા, જાણો રેસીપી

Social Share

રેસીપી, 04 મે 2026: સવારે નાસ્તામાં શું બનાવવું જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોય, ઝડપથી બની જાય અને ઘરના લોકોને ખાવામાં પસંદ આવે. જો તમે પણ આ સવાલથી પરેશાન છો, તો તમારે મગની દાળ પનીર ફુદીના ચીલા ટ્રાય કરવા જોઈએ. આ એક હાઇ પ્રોટીન રેસીપી છે. તમે તેને નાસ્તામાં પીરસી શકો છો અને તેને લંચ બોક્સમાં પેક પણ કરી શકો છો. નાસ્તા માટે આ એક આરોગ્યપ્રદ વાનગી છે. તેમાં મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પુષ્કળ ફાઇબર હોય છે.

મગ દાળમાં ઝિંક, પ્રોટીન, આયર્ન હોય છે. પનીરની વાત કરીએ તો તેમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે. પનીરમાં કાર્બ્સ ઓછું હોય છે અને પ્રોટીન વધારે હોય છે, તે ધીમે ધીમે પચે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. તો ફુદીનામાં બળતરા વિરોધી ગુણધર્મો છે. તે પેટને સાફ કરવાનું કામ કરે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી પણ હોય છે. આ બધી વસ્તુઓ મળીને આ વાનગીને સંતુલિત અને પૌષ્ટિક આહાર બનાવે છે. ચાલો તેની રેસીપી જાણીયે.

મગ દાળ પનીર ફુદીના ચીલા બનાવવા માટે સામગ્રી

2 કપ મગની દાળ
આદુના ટુકડા (છીણેલા )
ફુદીનાના પાન
2 લીલા મરચાં ઝીણા સમારેલા
100 ગ્રામ તાજું પનીર
1 ડુંગળી ઝીણી સમારેલી
મીઠું સ્વાદ અનુસાર
1/2 ચમચી ચાટ મસાલો
2 મોટી ચમચી તેલ
1 ચપટી હીંગ

મગ દાળ પનીર ફુદીના ચીલા બનાવવાની રીત

સૌ પ્રથમ, મગની દાળને લગભગ 3 થી 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. પછી પલાળેલી દાળમાં હીંગ, થોડું ફુદીનાના પાન અને થોડું પાણી ઉમેરો અને તેને મિક્સર જારમાં પીસી ખીરું બનાવો. આ ખીરાને એક મોટા બાઉલમાં કાઢી લો. પછી તેમાં આદુ, લીલા મરચાં ઉમેરો અને મીઠું ઉમેરો અને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો.

હવે એક વાસણમાં છીણેલું પનીર અને છીણી સમારેલી ડુંગળી નાંખો. પછી સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો અને ચપટી હિંગ ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો.

ગેસ પર એક તવો કે નોન સ્ટીક પેન ગરમ કરો. ચમચા વડે મગ દાળનું ખીરું પાથરો, ચીલા પાતળા રાખવા. ચીલા શેકવા માટે તેલનો ઉપયોગ કરી શકાય છે. ચીલાની કિનારી પર તેલ છાંટો.

મગ દાળ ચીલા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યારે તેમા વચ્ચે પનીરનું સ્ટફિંગ ભરો. પછી ચીલાને ગોળ રોલ કરી લો. ચીલાને સહેજ શેકાવા દો. ગરમા ગરમ મગ દાળ પનીર ફુદીના ચીલાને ટામેટા સોસ, ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Exit mobile version