Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકસભાની ચૂંટણી લીધે મહિનો વહેલી પરીક્ષા યોજવાના નિર્ણય સામે વિરોધ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા એક મહિનો વહેલા યોજવાની જાહેરાત કરાતા યુનિ.ના પરીક્ષા નિયામકના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભા ચૂંટણીની ચૂંટણીને લીધે સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44 હજાર જેટલાં વિદ્યાર્થીઓની પરીક્ષા એક મહિનો વહેલી યોજવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓમાં વિરોધ ઊભો થયો છેય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ દ્વિતીય સત્ર 28 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું હોય છે. એટલે કે 28 એપ્રિલ સુધીમાં પરીક્ષા પૂર્ણ થાય તે જરૂરી છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણ વિભાગના ઠરાવનો ભંગ કરી એક મહિનો વહેલા પરીક્ષાનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેમાં સ્નાતકના છેલ્લા એટલે કે UG સેમેસ્ટર 2, 4, 6, 8, 10, 12 ના 41 હજાર વિદ્યાર્થીઓની 26મી માર્ચથી પરીક્ષા લેવાનું એલાન કરાયુ છે. જ્યારે અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટર એટલે કે, PG સેમેસ્ટર 2 અને 4ના 2,960 વિદ્યાર્થીઓની 4 એપ્રીલથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

સૂત્રોના કહેવા મુજબ પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરતા પહેલા એકેડેમિકની બેઠક બોલાવવાની હોય છે તેમજ ભવનોના અધ્યક્ષો તેમજ કોલેજના આચાર્યો સાથે પરામર્શ કર્યા બાદ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ અહીં આ પ્રકારની કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નથી. અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે ચોથું એટલે કે છેલ્લું સેમેસ્ટર ખૂબ જ અગત્યનું હોય છે. કારણ કે તે માર્કશીટના આધારે તેનું આગળનું ભવિષ્ય નક્કી થવાનું હોય છે. જોકે આ છેલ્લાં સેમેસ્ટરની પરીક્ષા લેવામાં ઉતાવળ કરવામાં આવતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અધ્યાપકો દ્વારા ઝડપથી કોર્સ પૂર્ણ કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં પણ આંતરિક રોષ ફેલાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ સ્નાતકના એટલે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા 26મી માર્ચથી તેમજ અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા તા.4 એપ્રિલથી શરૂ થશે. જેમાં સ્નાતકના 41 હજાર જેટલાં વિદ્યાર્થીઓની પરીક્ષા 26 માર્ચથી એટલે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલા ઠરાવના એક મહિના વહેલી પરીક્ષા શરૂ થઈ જશે