Site icon Revoi.in

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝવેરચંદ મેઘાણી હોલના ભાડાંમાં તોતિંગ વધારો કરાતા વિરોધ

Social Share

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ભાડાંમાં એકાએક બેગણો વધારો કરી દેતા કલાકારો અને આયોજકોમાં વિરોધ થયો છે. કોંગ્રેસ દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં યશવંતરાય નાટ્યગૃહ છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યો છે. લાખો રૂપિયા હોલના રિનોવેશનના નામે ખર્ચ કર્યા બાદ પણ હાલ હોલ બંધ હાલતમાં છે. બીજી તરફ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ભાડામાં પણ બે ગણો વધારી દેવાયો છે. એટલે હવે સાસ્કૃતિક કાર્યક્રમો કે નાટક કે કોઈપણ કાર્યક્રમો મેઘાણી ઓડિટોરિયમમાં યોજવા મોંઘા પડશે.

ભાવનગરમાં ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ભાડાંમાં બેગણો વધારો કરતા દિવાળી ટાણે કલાકારો અને આયોજકોનું આયોજન ખોરવાય જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ અને ભાવનગર સ્ટેજ ઓર્ગેનાઇઝર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશને મ્યુનિ. કમિશનરને આવેદન આપીને મેઘાણી ઓડિટોરિયમના ભાડા વધારો પરત ખેંચવાની માગ કરી હતી. મ્યુનિ.કમિશનરને એવા પણ રજુઆત કરવામાં આવી હતી કે, એક તરફ યશવંતરાય નાટ્યગૃહ બંધ છે, તો બીજી તરફ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમનું બે ગણું ભાડું વધારી દેવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા કે જામનગર  સહિતના મહાનગરોમાં પણ મ્યુનિ.ના હોલનું આટલું તોતિંગ ભાડુ લેવામાં આવતું નથી.

ભાવનગર સ્ટેજ ઓર્ગેનાઇઝર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના હેમુ ગઢવી હોલનું ભાડું 28થી 30 હજાર સુધીનું છે. જેમાં લાઇટ બિલ સહિત અન્ય ખર્ચ આવી જાય છે. અમદાવાદના ટાગોર હોલનું ભાડું 25 હજાર છે. ત્યારે ભાવનગરમાં હોલનું ભાડું 39 હજાર સુધી પહોંચી જાય છે. તેમજ અન્ય ખર્ચ પણ લેવામાં આવે છે. પહેલા ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલનું ભાડું 24 હજાર જેટલું હતું. હવે તેના બદલે 44 હજાર જેટલું ભાડું ચૂકવવું પડશે. ઉપરાંત  પ્રેક્ષકોને પાણીની બોટલ પણ  હોલમાં અંદર નથી લઇ જવા દેતા, એટલે હવે કોઈપણ કાર્યક્રમ યોજવો મોંઘો પડશે.