Site icon Revoi.in

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભાવિકોમાં ઊઠ્યો વિરોધ, કોંગ્રેસે ટ્રસ્ટને કરી રજુઆત

Social Share

પાલનપુરઃ ગુજરાત અને દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ અપાતા ભાવિકોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. દરેક મંદિરના પ્રસાદની આગવી ઓળખ છે. તેવી જ ઓળખ અંબાજીમાં મા અંબેના મંદિરમાં મોહનથાળના પ્રસાદનો મહિમા છે. તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવાનો નિર્ણય કરાતા  શ્રદ્ધાળુઓમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. મહત્વનું છે કે અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતો આવતા મોહનથાળના મહાપ્રસાદ શુક્રવારે બપોરે સ્ટોક પૂર્ણ થવાની સાથે બંધ કરી દેવાયો છે. હવે તેના બદલે ચીકીના પ્રસાદનું વિતરણ શરૂ કરાયું છે. દરમિયાન મોહનથાળનો પ્રસાદ ફરી આપવા માટે ભાવિકોની માગ ઊઠી છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી આપી છે. કોંગ્રેસ દ્વારા પણ મંદિરના વહિવટદારને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા કલેકટરે એવું આશ્વાસન આપ્યું છે કે, શ્રદ્ધાળુઓની માગણી અને લાગણી ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં હિતકારી નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોહનથાળ એ અંબાજી મંદિરના મહાપ્રસાદની ઓળખ બની ગઈ છે. મા અંબાનો મોહનથાળનો પ્રસાદ ગુજરાત નહીં પણ દેશભરમાં વખણાય છે. માતાજીના દર્શન કર્યા બાદ મોહનથાળનો પ્રસાદ ગ્રહણ ન કરે તો યાત્રા પણ અધુરી ગણાય તેવી માન્યતા શ્રદ્ધાળુઓમાં છે.  અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ શરૂ કરાતા તેના વિરોધમાં  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર, અને પ્રવક્તા હેમાંગ રાવલ પ્રતિનિધિ મંડળ સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. અને મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા વહિવટદારને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે નિવેદન આપતા કહ્યું હતું  કે, ચીક્કી માફિયાઓને પૈસા કમાવા અને ફાયદો કરાવવા માટે  મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે. મોહનથાળ પ્રસાદ બંધ કરાતા ભાવિકોમાં ભારે રોષ છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા 300 જેટલી બહેનોની રોજગારી પણ છીનવાઈ છે.

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલા મોહનથાળ પ્રસાદ બંધને લઈ વિરોધ દર્શાવી અને સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.  સાથે ઉગ્ર વિરોધ દર્શાવતા ફરી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં બેરોજગાર મહિલાઓ સાથે જય અંબેની ધૂન બોલાવવામાં આવી રહી છે. 108 વાર ધૂન બોલાવી વહિવટદારને આવેદન પત્ર આપ્યુ હતુ.