Site icon Revoi.in

ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમનો PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક લાંચનો કેસ પકડાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ સીઆઈડી ક્રાઈમના પીએસઆઈને ગાંધીનગરમાં રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ગાંધીનગરમાં સેકટર – 11 સહયોગ સંકુલ સ્થિત સીઆઇડી ક્રાઇમ ઓફિસમાં ફરજ બજાવતા પીએસઆઈ જગદીશ તુલસીભાઇ ચાવડાને સુરતમાં નોંધાયેલા ગુનાના કામે જપ્ત કરેલા કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ છોડવાની અવેજીમાં 40 હજારની લાંચ લેતાં કચેરીના પાર્કિંગમાં એસીબીએ છટકુ ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ગાંધીનગર સહયોગ સંકુલનાં પાર્કિંગમાં જ લાંચની લેતાં પીએસઆઇ જગદીશ તુલસીભાઇ ચાવડાને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે આબાદ રીતે ઝડપી પાડતાં અત્રે આવેલ સીઆઇડી ક્રાઇમની કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જે તે સમયે સુરત ઝોન સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. એ સમયે સીઆઇડી ક્રાઇમ પોલીસે ફરિયાદીની માલિકીનું કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન વિગેરે મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જે ગુનાની તપાસ ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે આવેલી સીઆઇડી ક્રાઇમ કચેરીનાં પીએસઆઇ જગદીશ ચાવડા કરતો હતો. ત્યારે પોતાનો મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદીએ પીએસઆઇ ચાવડાનો સંપર્ક કરતાં તેણે 50 હજાર લાંચની માંગણી કરી હતી. અને જે તે સમયે 10 હજાર પણ લીધા હતા. જ્યારે બાકીના 40 હજાર માટે ફરિયાદી પાસે ઉઘરાણી કર્યા કરતો હતો. જે રકમ આપવા માંગતા નહીં હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેનાં પગલે સુરત એસીબી એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીનાં સુપરવિઝન હેઠળ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પીઆઈ બી.ડી.રાઠવાએ સ્ટાફના માણસો સાથે ગાંધીનગર સહયોગ સંકુલનાં પાર્કિંગમાં જ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. બાદમાં પીએસઆઇ ચાવડાએ હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી 40 હજારની લાંચ સ્વીકારી હતી. એ જ વખતે એસીબીએ ત્રાટકીને લાંચીયા પીએસઆઇ ચાવડાને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.