Site icon Revoi.in

પુલવામામાં 30 જવાનો શહીદ, ભારતની ગર્જના શહાદતનો લેવાશે બદલો

Social Share

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સુરક્ષાદળોના 30 જવાનો શહીદ થયા છે. આ હુમલા બાદ રાજકીય પક્ષો દ્વારા આકરી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચુકી છે.

કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે કહ્યુ છે કે શહીદોના લોહીના એક-એક ટીપાનો બદલો લેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે તેઓ આ હુમલાને કડકાઈથી વખોડી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહબૂબા મુફ્તિએ પણ આતંકવાદી હુમલાને વખોડયો છે. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને નિશાન બનાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને હુમલાને વખોડયો છે. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે પણ સીઆરપીએફના મહાનિદેશક આર. આર. ભટનાગર સાથે પુલવામા હુમલા બાદ વાતચીત કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પુલવામા હુમલા બાદ ટ્વિટ કરીને નિંદા કરતા કહ્યુ છે કે આ હુમલાથી તેઓ ઘણાં દુખી છે. શહીદોના પરિવારો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ હુમલા બાદ ટ્વિટ કરીને કહ્યુ છે કે આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. આ એક ફિદાઈન એટેક છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં ફરી એકવાર 2004-05 જેવો માહોલ પેદા થઈ રહ્યો છે.

ઓમર અબ્દુલ્લા સિવાય મહબૂબા મુફ્તિએ પણ ટ્વિટ કરીને હુમલાને આકરા શબ્દોમાં વખોડયો છે. મહબૂબા મુફ્તિએ ક્હ્યું છે કે અવંતીપોરાથી દિલને દુખ પહોંચાડનારા સમાચાર આવી રહ્યા છે. સુરક્ષાદળોના બાર જવાનો શહીદ થયા છે. તેમણે ક્હ્યું છે કે આ આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે કોઈ શબ્દો પુરતા પડી રહ્યા નથી. ખબર નહીં કે આતંકવાદીઓના આવા વ્હેશીપણાને ખતમ કરવા માટે આપણે કેટલા જીવ ગુમાવવા પડશે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને હુમલાને વખોડતા કહ્યુ છે કે આ મુશ્કેલ સમયમાં દેશે એકજૂટ રહેવું જોઈએ. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે પુલવામામાં આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. તેમણે કહ્યુ છે કે ઉરી, પઠાનકોટ અને હવે પુલવામા મોદી સરકારના નેતૃત્વમાં થયેલા આતંકવાદી હુમલાની યાદી વધી રહી છે.

કેવી રીતે થયો હુમલો?

મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા દરમિયાન સીઆરપીએફની બે બસોને નિશાન બનાવવામાં આવી છે. છેલ્લા અહેવાલ સુધીમાં 20થી વધારે જવાનો શહીદ થઈ ચુક્યા છે અને 40થી વધારે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં 18 જવાનોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે કાશ્મીર ખીણમાં લાંબા સમય બાદ આતંકવાદીઓએ આઈઈડી વિસ્ફોટ દ્વારા સુરક્ષાદળોને નિશાન બનાવતો મોટો હુમલો થયો છે.

કોણે લીધી જવાબદારી?

મહત્વપૂર્ણ છે કે જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલાને અંજામ આપનારો ડ્રાઈવર પુલવામાના ગુંડઈબાગનો વતની છે. તેનું નામ આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ડો છે.