Site icon Revoi.in

માનવીના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને સંયમિત જીવન આવશ્યક : રાજ્યપાલલ

Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા યોજાયેલાં “હેલ્થ એન્ડ વેલનેસ” વિષયક રાષ્ટ્રીય વેબિનારમાં માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, માનવીના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને સંયમિત જીવન આવશ્યક છે.
ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલાં આ રાષ્ટ્રીય વેબિનારને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, માત્ર ઉત્તમ સ્વાસ્થ્ય એકલું જ જરૂરી નથી પરંતુ સાથે-સાથે જીવનમાં આનંદ-ખુશહાલીનું પણ એટલું જ મહત્વ છે. ભારતીય ઋષિઓનું જીવન-દર્શન માનવ માત્ર ને આહાર શુદ્ધિથી સત્વ શુદ્ધિ તરફ દોરી જાય છે.

રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, આજે જળ-જમીન અને પર્યાવરણ પ્રદૂષિત થઇ રહ્યા છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી આપણો આહાર દૂષિત થઈ ગયો છે. લોકો અસાધ્ય બિમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે રસાયણોથી મુક્ત આહાર માટે પ્રાકૃતિક આહાર અને પ્રાકૃતિક કૃષિને આપણે સ્વિકારવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક કૃષિને આજના સમયની માંગ ગણાવી છે. ત્યારે સમગ્ર દેશમાં ચાલી રહેલાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનમાં સહયોગથી થવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું.

રાજ્યપાલએ વૈદિક મંત્રનો આધાર આપીને જણાવ્યુ હતું કે, યજુર્વેદમાં “તન્મે મન: શિવસંકલ્પમસ્તુ” કહેવાયું છે અર્થાત્ અમારું મન કલ્યાણકારી સંક્લ્પોવાળું બને. મનની પવિત્રતા માટે સર્વકલ્યાણની ભાવના આવશ્યક છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉત્તમ સ્વાસ્થ્ય માટે નિદ્રાને પણ એક મહત્વપૂર્ણ પરીબળ ગણાવી હતી. રાજ્યપાલએ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંયમિત જીવન ઉપર ભાર મૂકતાં જણાવ્યુ હતું કે, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણથી જીવન સંયમિત બની શકે. તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવા પણ અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ઉત્તમ સ્વાસ્થ્યને જીવનની સફળતાનો અને આધાર ગણાવ્યો હતો.

આ પ્રસંગે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્યને પણ મહત્વપૂર્ણ ગણાવી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સમન્વયકારી પ્રયાસ કરવા સૌને અનુરોધ કર્યો હતો. જ્યારે આર્ટ ઓફ લિવીંગના દૃષ્ટા શ્રી શ્રી રવિશંકરે યોગ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા આત્મશક્તિની જાગૃતિ દ્વારા નિજાનંદની પ્રાપ્તી થઈ શકે છે, તેમ જણાવી જીવન માટે સહજાવસ્થાના મહત્વને ઉજાગર કર્યું હતું.

Exit mobile version