Site icon Revoi.in

માનહાનીના કેસમાં સજા સામે રાહુલ ગાંધી સુપ્રીમ પહોંચે તે પહેલા પૂર્ણેશ મોદીએ કેવિયેટ કરી

Social Share

સુરતઃ  મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારવાનો નિર્ણય કરતા આ કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરીને એવી રજૂઆત કરી છે કે અદાલત રાહુલ ગાંધીને સાંભળે એ પહેલાં મને પણ સાંભળવાની તક આપવી જોઇએ.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કોઈ રાહત ન આપતા હવે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારાશે,  જો કે હજી સુધી રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ ગયા નથી, પરંતુ બની શકે કે તેઓ જલદી જ ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ગુજરાત હાઈકોર્ટે ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય માનીને રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ અંગે આપેલા નિવેદન પર આ વર્ષે 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને સજા સંભળાવી હતી. આ નિર્ણય બાદ ગાંધીને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજાના ટ્રાયલ કોર્ટના આદેશ “વાજબી, યોગ્ય ગણ્યો છે.  કોર્ટે કહ્યું હતું કે દોષિત ઠેરવવાના ચુકાદા પર પ્રતિબંધ લગાવવા માટે કોઈ વાજબી કારણ નથી. આમ હાઈકોર્ટે રાહુલ ગાંધીને કોઈ રાહત ન આપતા હવે સુપ્રીમના દરવાજા ખટખટાવે તે પહેલા જ આ કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રમમાં કેવિએટ દાખલ કરી દીધી છે. અદાલત રાહુલ ગાંધીને સાંભળે એ પહેલાં મને પણ સાંભળવાની તક આપવી જોઇએ.તેવી માગ કરી છે.