Site icon Revoi.in

કયા ગુણ ધરાવતી કન્યા રાહુલ ગાંધીને પસંદ? જાણો…

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. તેઓ 54 વર્ષના થયા છે. રાયબરેલીના સાંસદ રાહુલ દેશના ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ છે. આવી સ્થિતિમાં તેમના સમર્થકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે, રાહુલ ગાંધીને કેવા પ્રકારની કન્યા જોઈએ છે? આનો જવાબ તેમણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે તેમની લગ્ન કરવાની શું યોજના છે? આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે સારી છોકરી મળશે ત્યારે તેઓ લગ્ન કરી લેશે.

રાહુલને આગળ પૂછવામાં આવ્યું કે, તે કેવી છોકરી સાથે લગ્ન કરશે, જેના પર તેમણે કહ્યું કે તે પ્રેમાળ અને બુદ્ધિશાળી હોવી જોઈએ. રાહુલ ગાંધીએ આ ઈન્ટરવ્યુ ભારત જોડો યાત્રા દરમિયાન આપ્યું હતું. પછી તેમણે પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધી બંનેના ગુણો ધરાવતી છોકરી સાથે પોતાનું જીવન વિતાવવા ઈચ્છે છે.

રાહુલ ગાંધીએ આ ઈન્ટરવ્યુમાં પોતાની ફૂડ પ્રેફરન્સ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તે બધું જ ખાય છે. જે મળે તે ખાય છે. રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડથી લોકસભા ચૂંટણી જીતી છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ મહારાજગંજ પહોંચ્યા હતા. જાહેર સભામાં પહોંચેલા લોકોએ રાહુલને પૂછ્યું હતું કે તે ક્યારે લગ્ન કરશે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે જલ્દી કરવું પડશે. આ પછી પ્રિયંકા અને રાહુલ સ્ટેજ પરથી આગળ ગયા.

Exit mobile version