Site icon Revoi.in

ઊંઝા વિસ્તારમાં નકલી જીરૂં અને વરિયાળી બનાવતી 4 ફેકટરી પર દરોડા, 5487 કિલો જથ્થો સીઝ કરાયો

Social Share

મહેસાણાઃ જિલ્લામાં ઊંઝા સહિત આસપાસના વિસ્તારોમાં જીરૂ અને વરિયાળીના અનેક એકમો આવેલા છે. જેમાં કેટલાક એકમો દ્વારા વરિયાળી પર કલર અને સુગંધિત અર્ક ચડાવીને નકલી જીરૂ બનાવવામાં આવતું હોય છે. ઉપરાંત વરિયાળી પર લીલો કલર ચડાવવામાં આવતો હોય છે. આથી બાતમીને આધારે ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ઊંઝા વિસ્તારમાં ચાર જેટલી ફેકટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 1.49 લાખની કિંમતનો 5487 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. ફેક્ટરીઓમાં ફૂડ વિભાગની કાર્યવાહી લઈને ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની સંયુક્ત ટીમે  ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં આવેલી વિવિધ ફેક્ટરીઓમાં દરોડા પાડી મોટી માત્રામાં નકલી જીરું અને નકલી વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો. જેને લઇ ભેળસેળિયા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગની ટીમે જીરું અને વરિયાળીનો લૂઝ જથ્થો, પાઉડર ગોળની રસી સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો.

ફુડ અને ડ્રગ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા શહેરમાં હાઇવે પર આવેલા શનિદેવ મંદિરની બાજુમાં તેમજ સિદ્ધિ વિનાયક એસ્ટેટ ઐઠોર સહિતનાં કેટલાંક સ્થળોએ નકલી જીરું અને વરિયાળી બનાવવાનો કારોબાર ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં ચાર જેટલી ફેક્ટરીમાંથી નકલી જીરું અને નકલી વરિયાળી બનાવવામાં આવતું હતું. આમ નકલી જીરું બાનાવવાનો કાળો કારોબાર મળી આવ્યો હતો. ​​​ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ મોડીરાત સુધી કામમાં લાગ્યા હતા. નોંધનીય છે કે, ઊંઝા પંથકમાં છેલ્લા ઘણા સમયથી નકલી જીરું અને વરિયાળી બનાવવાની પ્રવૃત્તિએ જોર પકડ્યું છે.

ઊંઝી વિસ્તારમાં નકલી કારોબાર પકડાય એટલે બધું થોડા સમય માટે બંધ થઈ જાય છે. ત્યારબાદ એ જ પ્રવૃત્તિ પુનઃ બેરોકટોક ચાલે છે.  બે દિવસ અગાઉ ઊંઝાના દાસજ રોડ પરથી ભેળસેળમાં વપરાતો કલરનો જથ્થો રોડની સાઈડમાં જોવા મળ્યો હતો. અવારનવાર નકલી જીરું તેમજ વરિયાળી બનાવતી ફેક્ટરીઓ ઝડપાય છે, પરંતુ લાખોના મુદ્દામાલ સાથે પકડાયેલી ફેક્ટરીઓ ફરીથી ધમધમી ઊઠે છે. વધુમાં બે દિવસ અગાઉ દાસજ અને ઊંઝા રોડની સાઈડમાં ડુપ્લિકેટ જીરું અને વરિયાળી બનવવામાં આવતો પાઉડર તેમજ અન્ય ચીજ-વસ્તુઓ સાઈડ ઉપર ફેંકી દેવામાં આવી હતી. માનવ શરીરને નુકસાન કરતી ચીજવસ્તુઓ ઉપર ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા લોકો ક્યારે જેલ હવાલે થશે તેવો પ્રશ્ન લોકોમાં ઊઠ્યો છે.