જમ્મુ, 20 નવેમ્બર, 2025ઃ Raids at The Kashmir Times newspaper office in Jammu દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બોંબ વિસ્ફોટ બાદ દેશના વિવિધ ભાગમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકોની શોધ ચાલુ છે. એ દરમિયાન આજે ગુરુવારે જમ્મુમાં ધ કાશ્મીર ટાઈમ્સ અખબારની ઑફિસમાં દરોડો પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ દરોડો રાજ્ય તપાસ એજન્સી (એસઆઈએ) દ્વારા પાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આ અખબાર વિરુદ્ધ થોડા દિવસ પહેલાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેના આધારે દરોડો પાડીને તપાસ કરવામાં આવી રહી છે. હાલ સઘન તપાસ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ અખબાર સામે તપાસ કરવામાં આવી રહી હોય એવો આ પહેલો પ્રસંગ નથી. ધ કાશ્મીર ટાઈમ્સ અખબારમાં દેશ વિરોધી સમાચારો પ્રકાશિત થતા હોવાના આક્ષેપને પગલે અગાઉ પણ તેની સામે તપાસ થઈ હતી.
2020માં આ અખબારની ઑફિસને થોડા સમય માટે સીલ પણ કરી દેવામાં આવી હતી. જોકે, છેલ્લા થોડા મહિનાથી આ અખબારનું પ્રકાશન બંધ હોવાનું કહેવાય છે.
આ કેસમાં વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

