Site icon Revoi.in

બનાસકાંઠાના કાણોદરમાં ખાનગી ડેરી અને ફુડ પ્રોડક્ટસ પર દરોડા, 8200 કિલો ઘી જપ્ત કરાયું

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે ફુડ વિભાગના અધિકારીઓએ એક ખાનગી ડેરી અને એક ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડો પાડીને  બંને પેઢીમાંથી  53 લાખની કિંમતનો કુલ 8200 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાણોદરા ખાતેની બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા ટીમ દ્વારા બંને પેઢી ખાતે રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી રૂ. 53 લાખની કિંમતનો 8200 કિલો ગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના કાણોદર ખાતે ખાનગી ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિક વિપુલ રાવલની હાજરીમાં પૃથ્થકરણ માટે ઘીનાં 03 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 41.86 લાખની કિંમતનો 6354 કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, કાણોદર ખાતે એક ફૂડ પ્રોડ્ક્સમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો તેમજ પેઢીનાં માલિક વગર પરવાને ઘીનું ઉત્પાદન કરતાં હોવાનું જણાયું હતું. પેઢીના માલિક ફિરોઝહૈદર અઘારીયાની હાજરીમાં ઘીનાં 06 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 10.82 લાખની કિંમતનો 1754 કિલો ગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version