Site icon Revoi.in

વરસાદે ગેરેજવાળાઓને ઘીકતી કમાણી કરાવી, અમદાવાદમાં કાર રિપેરિંગ માટે 15 દિવસનું વેઈટિંગ

Social Share

અમદાવાદઃ શહેરમાં ગત રવિવારે પડેલા ઘોઘમાર વરસાદને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-રસ્તાઓ અને પાર્કિંગના સ્થળે પાણી ભરાઈ જતાં અનેક વાહનોને ભારે નુકશાન થયુ હતું. લોકો માટે આફતરૂપ બનેલો વરસાદ શહેરના ગેરેજવાળા માટે ફાયદરૂપ બન્યો છે. વરસાદને કારણે ગાડીઓ અને ટૂ-વ્હીલરોને મોટું નુકસાન થયું છે. ત્યારે શહેરમાં ખાનગી ગેરેજ અને કંપનીનાં સર્વિસ સેન્ટરો જાણે પાર્કિંગ સ્ટેન્ડ બની ગયાં હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાહનોને વરસાદમાં ભારે નુકસાન થતાં વાહન રિપેર કરવાનાં સર્વિસ સેન્ટરો પર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. વાહનો રિપેરિંગ માટે હાલ 15 દિવસનું વેઈટિંગલિસ્ટ ચાલી રહ્યુ છે. સર્વિસ સેન્ટર પર આવી રહેલી કાર રૂપિયા 3 હજારથી લઈને 1 લાખથી વધારે સુધીનો ખર્ચ માગી લે એવી સ્થિતિ છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ હવે બાઇક અને કાર સર્વિસ સેન્ટરો પર વાહનચાલકો પોતાનાં વાહનો રિપેર કરવા માટે પહોંચી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કેટલીય સોસાયટીના બેઝમેન્ટમાં પણ ઘૂસી ગયા હતા, જેને કારણે મોંઘીદાટ ગાડીઓને મોટે પાયે નુકસાન થયું છે. આ ગાડીઓ રિપેરિંગ માટે મોટો ખર્ચ માગી લે એમ છે. શહેરના ગેરેજચાલકોના કહેવા મુજબ સામાન્ય દિવસોમાં ત્રણથી ચાર જેટલી ગાડીઓ રિપેરિંગ માટે આવતી હોય છે, પરંતુ છેલ્લા બે દિવસથી 40-50 ગાડીઓ રિપેરિંગ માટે આવી રહી છે. ગાડીની સ્થિતિ એવી છે કે એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી રોજ  5-7 ગાડી જ સર્વિસ કરી શકીએ છીએ.

શહેરમાં એક કંપનીના ઓથોરાઈઝ સર્વિસ સેન્ટર ધરાવતા સંચાલકે જણાવ્યું હતું કે,  દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનધારકો પોતાના ઘરેથી બંધ પડેલા વાહનો લઈ જવા માટે ફોન કરી રહ્યા છે, પરંતુ તેમના સેન્ટર પર જ કામનું ભારણ હોવાથી તેમના માટે પહોંચી વળવું અશક્ય છે. ખાનગી ગેરેજ સેન્ટર પર ગાડી રિપેર કરવા માટે 10થી 15 દિવસ જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે. સર્વિસ સેન્ટર પર આવી રહેલાં વાહનોમાં ગાડીનું ટોટલ લોસ, લોક થઈ જવી, એન્જિન ફેઇલ થઈ જવા, ECM ફેઇલ થઈ જવી, વાયરિંગમાં ડેમેજ વગેરે પ્રકારની ફરિયાદો લઈ વાહન રિપેરિંગ કરાવવા લોકો આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જાણીતી કાર કંપનીના સર્વિસ સેન્ટરો પર પણ વાહનોની કતાર લાગેલી જોવા મળી રહી છે. શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા એક ગેરેજ સંચાલકે જણાવ્યું હતું કે,  બે દિવસથી દૈનિક 35 જેટલી ગાડીઓ આવી રહી છે. સામાન્ય દિવસોમાં જે વાહનો આવે છે તેના કરતાં આ વાહનોમાં પાણીની સમસ્યાને કારણે વધારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કામનું ભારણ વધ્યું છે, જેથી વર્કશોપની ક્ષમતા પ્રમાણે જ તબક્કાવાર ગાડીઓ સર્વિસ માટે લેવામાં આવી રહી છે. માત્ર ફોર વ્હીલર્સ નહીં, પરંતુ ટૂ-વ્હીલર સર્વિસ સેન્ટર પર પણ બાઈક અને સ્કૂટી મોટા પ્રમાણમાં સર્વિસ માટે આવી રહી છે. છેલ્લા 3 દિવસથી વહેલી સવારમાં જ લોકોના ફોન આવી રહ્યા છે અને બાઇક ઘરે જ રિપેર કરવા બોલાવે છે, પણ સમય અને કામનું ભારણ વધારે હોવાથી હાલ ગ્રાહકોના ઘરે વાહનો લેવા માટે જઈ શકતા નથી