Site icon Revoi.in

તાઉ-તે વાવાઝોડાને લીધે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદઃ ગામડાંમાં છવાયો અંધારપટ

Social Share

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયુ છે. વાવાઝોડાને લીધે જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજુલા, જાફરાબાદ, મહુવા, ભાવનગરના સિહોર, માળિયા હાટીના, અમરેલી,સાવરકુંડલા, ધારી, બોટાદ, સુરેન્દ્રનગર, સહિત ઘણાબધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. અગમચેતીના ભાગરૂપે દીવમાં વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જ્યારે સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વીજળીના પોલ ધરાશાયી થવાથી સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે. જાફરાબાદમાં દરિયા કિનારે લાંગરેલી બે બોટ તણાઈ ગઈ હતી. આજે બપોર સુધીમાં લગભગ બે લાખ લોકોનું સ્થળાંતર કરાયુ છે. આરડીએફ, સીઆરડીએફ, પોલીસ સહિત તમામ જવાનોને બચાવની કામગીરીમાં તૈયાર રખાયા છે. તાઉ-તે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાથી માત્ર 30 કિ.મી દુર છે. હાલ દરિયામાં જોરદાર કરંટને લીધે દરિયો ગાંડોતૂર બન્યો છે.

તાઉ-તે વાવાઝોડાના કહેરની શરૂઆત થઇ ગઇ હોય તેમ દીવમા દરિયાના પાણી ઘૂસ્યા છે. તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના માઘાવડ બંદરમાં દરિયાના મોજા મકાનો સાથે અથડાઈ રહ્યાં છે. હવમાન વિભાગ પ્રમાણે આગામી બે કલાકમાં વાવાઝોડું ગુજરાતના 5 જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પર ત્રાટકશે. એ સમયે વાવાઝોડાની સ્પીડ 175 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે. અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.