Site icon Revoi.in

રાજસ્થાનઃ અમદાવાદ-ઉદેપુર રેલવે ટ્રેક બ્લાસ્ટ બાદ હવે વિસ્ફોટક સામગ્રી મળી આવી

Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં અમદાવાદ-ઉદેપુર રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના બનાવમાં પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન સોમ નદીના કિનારેથી લગભગ બે ક્વિન્ટલ વિસ્ફોટક સામગ્રી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આસપુર ​​પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા નાથજી ગામના કેટલાક લોકો ભાબરાના પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુલ નીચે સોમ નદીમાં કેટલાક કાર્ટન જોવા મળ્યા હતા. આ અંગે લોકોએ તત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે નદીમાં પડેલા કાર્ટન ખોલીને તપાસ કરતા અંદરથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. વિસ્ફોટક સામગ્રી પાણીમાં પડ્યા બાદ સંપૂર્ણપણે નાશ પામી હતી. જપ્ત કરાયેલ વિસ્ફોટક સામગ્રીમાં જિલેટીન સ્ટિકનો સમાવેશ થાય છે. અમદાવાદ-ઉદયપુર રેલ્વે ટ્રેકને ઉડાવી દેવાનું કાવતરું ઘડનારા આરોપીઓએ જ વિસ્ફોટક સામગ્રી ફેંકી હોવાનું પોલીસ માની રહી છે. સાત બેગમાંથી મળેલા આ વિસ્ફોટક સામગ્રીનું વજન લગભગ 186 કિલો હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદ-જયપુર રેલવે ટ્રેકને બ્લાસ્ટથી ઉડાવી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો હતો. રેલવે ટ્રેક ઉપર રાત્રિના સમયે બ્લાસ્ટ થયો હતો. જેથી સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ આ અંગે તાત્કાલિક પોલીસ અને રેલવે તંત્રને જાણ કરી હતી. આ અંગેની જાણ થતા પોલીસે તપાસ આરંભી હતી. તેમજ રેલવે તંત્ર દ્વારા ટ્રેક રિપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.

Exit mobile version