Site icon Revoi.in

ગુજરાતમાંથી સ્કોર્પિયો કારની ચોરી કરતી રાજસ્થાનની ગેન્ગ પકડાઈ, અનેક ગુનાનો ભેદ ઉકેલાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાંથી સ્કોર્પિયોની ચોરી કરતી રાજસ્થાનની ગેન્ગને અમદાવાદ જિલ્લા પોલીસે દબોચી લીધી છે. પોલીસે રાજસ્થાનના સાંચેર જિલ્લાના ચિતલવાના તાલુકાના આંમ્બાકા ગોલીયા ગામના આરોપી ઓમ પ્રકાશ ખંગરારામ  ખિલેરી અને માંગીલાલ જેરામ ખિલેરી સ્કોર્પિયોકાર, મારૂતિકાર સહિત મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે આ ગેન્ગના બે શખસોને પકડવાના બાકી છે. વાહનચોર આ ગેન્ગ ગુજરાતમાંથી રાતના સમયે રોડ પર પાર્ક કરેલી સ્કોર્પિયોકારની ચોરી કરતા હતા.અને રાજસ્થાનમાં વેચી દેતા હતા.

ગુજરાતમાં ઊંચા મોડલની સ્કોર્પિયો કારને આંખના પડકારામાં ચોરીને રાજસ્થાન વેચી દેતી આખી ગેંગને અમદાવાદ જિલ્લા પોલીસે ઝડપી લીધી છે. આ સમગ્ર મામલે ચોકાવનારી વિગતે સામે આવી રહી છે. આ ગેંગ માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી હતી. કારણ કે રાજસ્થાનમાં સ્કોર્પિયો કારની ઊંચી કિંમત મળતી હતી. અને તરત વેચાઈ જતી હતી. વાહનચાર આ ગેન્ગના શખસો રાતે 9થી 10 વાગ્યે અલગ અલગ વિસ્તારમાં રેકી કરવા માટે નીકળતા હતા. તેઓ પોતે પણ કાર લઈને આવતા હતા. જેથી અન્ય કોઈને શંકા ન જાય, એક વખત કાર જોઈ લીધા બાદ તેઓ મોડી રાતે બે વાગ્યાની આસપાસ કાર ચોરવા માટે જતા હતા. તેઓ પહેલા કારની નીચે જઈને સાયરનનો વાયર કટ કરી દેતા હતા. ત્યારબાદ વચ્ચેના દરવાજેથી કારમાં પ્રવેશ કરીને પળભરમાં તેઓ ત્યાંથી રફુ ચક્કર થઈ જતા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનથી આવતી આ ગેંગ ગુજરાતમાંથી માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી હતી. રાજસ્થાનમાં આ કારનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થાય છે, જેથી આ કાર રાજસ્થાનના માફીઆઓ તરત જ ખરીદી લેતા હતા. અને નજીવી કિંમતમાં ચોરેલી કાર વેચી દેતા હતા. આરોપીઓ સ્કોર્પિયો કારની ચારી કર્યા બાદ તેની નંબર પ્લેટ બદલીને રાજસ્થાન જતા હતા.  હાલ ગુજરાતના અન્ય બીજા શહેરના ગુના પણ ડિટેક્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે.