Site icon Revoi.in

રાજસ્થાનઃ મૂડી રોકાણ ઉપર ઉંચા વળતરની લાલચ આપીને 100 કરોડથી વધુ ઠગાઈ આચરનાર મહાઠગ ઝબ્બે

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચની ટીમે બીએસએફના પૂર્વ રસોઈયાને ઝડપી લીધો છે. થોડા સમય માટે બીએસએફમાં રસોયા તરીકે કામ કરનારા શખ્સે ઝડપથી નાણા કમાવવા માટે મહાનતના બદલે શોર્ટકટ અપનાવ્યો હતો. તેમજ ઠગાઈનો માર્ગ અપનાવીને રૂ. 100 કરોડની છેતરપીંડી કરીને ફરાર થઈ ગયો હતો. વર્ષ 2008થી 2011 સુધીના સમયગાળામાં આરોપી સામે 49થી વધારે ગુના નોંધાયાં હતા. પોલીસ પોતાની સુધી ના પહોંચી શકે તે માટે વિવિધ શહેરોમાં અલગ-અલગ નામથી રહેતો હતો. એટલું જ નહીં ઈન્દોરમાં પણ લોકો સાથે ઠગાઈ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં કરોડોની ઠગાઈના કેસમાં બીએસએફના પૂર્વ રસોઈયા ઓમા રામને શોધી રહી હતી. આરોપી પોલીસથી બચવા માટે અલગ-અગલ શહેરોમાં જુદા-જુદા નામે રહેતો હતો. છ મહિનાથી દિલ્હી પોલીસ તેને શોધતી હતી. દરમિયાન અંતે તેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્થાનના જોધપુરનો રહેવાસી ઓમા રામને વર્ષ 2004માં બીએસએફમાં કુકની નોકરી મળી હતી. પરંતુ ઝડપથી નાણા કમાવવા માટે બે વર્ષમાં જ નોકરી છોડી દીધી હતી. વર્ષ 2007માં તેણે સિક્યુરિટી કંપની શરૂ કરીને 60 લોકોની ભરતી કરી હતી. બાદમાં તેણે આ કંપની પૂર્વ કર્મચારી રાકેશ મોહનને વેચી દીધી હતી. ત્યાર બાદ તેણે એમએલએમ કંપનીમાં એજન્ટ તરીકે કામ કર્યું હતું. દોઢ વર્ષ કામ કર્યા બાદ આ પણ છોડી દીધું હતું. તે પછી તેણે 2009માં પોતાની કંપની ખોલી હતી.

આ કંપની નવા સભ્યોને જોડવા ઉપર કમીશન આપતી હતી. જલ્દીથી નાણા કમાવવાની લાલચ આપીને રૂ. 400 જમા કરાવતો હતો અને તેના બદલામાં સફારી શટનું કાપડ આપતો હતો. દરેક વ્યક્તિએ કમિશન મેળવવા માટે 10 સભ્યો બનાવવા પડતા હતા. સભ્યોને રોકાણ ઉપર ઉંચુ વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. સતત એક વર્ષ સુધી દર મહિને 2 લાખનો બિઝનેશ લાવનારને ઈનામ તરીકે બાઈક આપવામાં આવતી હતી. આમ કંપનીમાં હજારો લોકો જોડાયાં હતા અને તેમની પાસેથી રૂ. 100 કરોડની રકમ ઉધરાવી હતી. જે બાદ તેણે સભ્યોને કમિશન આપવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ અંગે રાજસ્થાનમાં 2011માં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. રાજસ્થાનથી ભાગી આરોપી ઓમા રામ ઈન્દોર ગયો હતો જ્યાં તેણે કો.ઓપરેટિવ સોશિયટીનું લાયસન્સ લીધું હતું. ઈન્દોરમાં આરોપી રામ મારવાડી તરીકે રહેતો હતો. ઈન્દોરમાં વેપાર-ધંધામાં નુકશાન જતા દિલ્હી ગયો હતો અને ત્યાં તેણે પ્રોપર્ટી ડીલિંગનું કામ શરૂ કર્યું હતું. તેમજ 2018માં ગ્રોસરી સ્ટોર ખોલ્યો હતો. પરંતુ તેમાં પણ નુકશાન થયું હતું. દરમિયાન 2020માં તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી રામ મારવાડીની પોલીસે ધરપકડ કરી હતી.

વર્ષ 2021માં આરોપીએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવ્યું હતું અને ફરીથી ઈન્દોરમાં શિફ્ટ થઈ ગયો હતો. આરોપીએ આ પ્લેટફોર્મ પણ લોકોની સાથે છેતરપીંડી કરવા ઉભુ કર્યું હતું. દરમિયાન આરોપી ઠગાઈના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.